કેદારનાથ જતાં શ્રદ્ધાળુઓની બસની ટ્રક સાથે ભીષણ ટક્કર, બે મહિલાનાં મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
Punjab Bus Accident: પંજાબના લુધિયાણાની નજીક સમરાલા ખાતે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં આવેલા ચહેલા ગામમાં સવારે શ્રદ્ધાળુઓથી ભરેલી ટુરિસ્ટ બસ હાઇવે પર ઊભેલા ટ્રકમાં ઘૂસી ગઇ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે બસમાં હાજર બે મહિલા શ્રદ્ધાળુ ઓન ધી સ્પોટ મૃત્યુ પામી ગઇ હતી જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ મધ્યપ્રદેશના ઈન્દોરની વતની મીનાક્ષી (51) અને સરોજબાલા (54) તરીકે થઇ હતી.
કેદારનાથ યાત્રા માટે નીકળ્યા હતા
ઈન્દોરમાં રહેતા ઋષભે જણાવ્યું કે અમે લોકો ઈન્દોરના વતની છીએ અને બસમાં કેદારનાથ જઇ રહેલા બધા લોકો ખેડૂત પરિવાર સાથે સંકળાયેલા હતા. બધા લોકો ચારધામમાં સામેલ કેદારનાથની મુલાકાતે જઈ રહ્યા હતા. અમે હરિદ્વારથી અમૃતસર માટે રવાના જ થયા હતા અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત થતાં જ હાહાકાર મચી ગયો હતો.