કેદારનાથ દુર્ઘટનાની યાદો તાજી થઈ, વાયનાડમાં 4 કલાકમાં 22 હજારની વસ્તી ધરાવતાં 4 ગામ તબાહ
Image:Twitter
Wayanad Landslides: કેરળના વાયનાડમાં મંગળવારે વહેલી સવારે પહાડો પરથી આવેલા પૂરે તબાહીના દૃશ્યો સર્જ્યા છે. વાયનાડમાં ભૂસ્ખલનથી 4 કલાકમાં 22 હજારની વસ્તી ધરાવતાં 4 ગામ તબાહ થઈ ગયા છે. કેરળમાં કુદરતના વિનાશને જોઈને આખુંં ભારત સ્તબ્ધ થઈ ગયું છે. વાયનાડની આ દુર્ઘટના સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવી રહી છે. મુંડક્કાઈ, ચૂરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝામાં અત્યાર સુધી આ તબાહીથી 156 લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો લાપતા છે. સતત વરસાદને કારણે બચાવ અને રાહત કાર્યમાં પણ મુશ્કેલી પડી રહી છે.
મુંડક્કાઈ અને ચૂરલમાલા વચ્ચેનો પુલ તૂટી જવાને કારણે ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે અને ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ઊડી શકશે નહીં. જમીન રસ્તે જ રાહત કાર્ય આગળ વધી રહ્યું છે. આ દુર્ઘટનાએ 11 વર્ષ પહેલાં કેદારનાથમાં સર્જાયેલી તારાજીની યાદોને તાજી કરી દીધી છે.
કેદારનાથની યાદ અપાવી :
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કેદારનાથ સમુદ્રની સપાટીથી 3,584 મીટરની ઊંચાઈએ ગઢવાલ ક્ષેત્રમાં આવેલ છે. કેદારનાથને હિંદુઓના પવિત્ર ચાર ધામોમાંથી એક માનવામાં આવે છે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત 12 જ્યોતિર્લિંગોમાં, કેદારનાથ સર્વોચ્ચ જ્યોતિર્લિંગ છે. કેદારનાથ મંદિર પાસે મંદાકિની નદી વહે છે. આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. ચારધામ દર્શન માટે જતાં ભક્તો પહેલા યમનોત્રી, પછી ગંગોત્રી અને પછી બદ્રીનાથ અને કેદારનાથ જાય છે.
16-17 જૂન, 2013 એટલેકે 11 વર્ષ પહેલાંની એ ભયાનક રાત્રે ભારે વરસાદ પછી ઉત્તરાખંડના ચમોલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લામાં અચાનક પૂર અને ભૂસ્ખલન થયું હતું. અલકનંદા, ભાગીરથી અને મંદાકિની નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પહાડોમાંથી વહેતા પાણીને કારણે આ તબાહી સર્જાઈ હતી. ચોરાબારી ગ્લેશિયર પર બનેલ કુદરતી તળાવની બરફની દિવાલ તૂટવાને કારણે ફ્લેશ ફ્લડ આવ્યું અને કેદારનાથ ધામથી હરિદ્વાર (લગભગ 250 કિલોમીટર દૂર) સુધી ભારે તારાજી સર્જાઈ હતી.
કેદારનાથમાં આવેલા આ પ્રલયને કારણે જાણે ગોવિંદઘાટ, ભિંદર, કેદારનાથ, રામબાડા અને ઉત્તરકાશી ધારલી જેવા વિસ્તાર નકશામાંથી જ ગાયબ થઈ ગયા હતા અને ચોતરફ પાણી-કાદવ-કીચડનું જ સામ્રાજ્ય સર્જાયું હતું. આ માનવનિર્મિત પરંતુ કુદરતી કહેવાતી હોનારતમાં 10,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હજારો લોકો લાપતા થઈ ગયા હતા. ઍરફોર્સની મદદથી 1.10 લાખથી વધુ લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા હતા.
વાયનાડમાં શું થયું ?
વાયનાડ કેરળમાં પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. તે સમુદ્ર સપાટીથી 2100 મીટરની ઊંચાઈ પર આવેલું છે અને લીલીછમ હરિયાળી, ઝાકળથી ઢંકાયેલી ટેકરીઓ અને શુદ્ધ હવા આ વિસ્તારને સ્વર્ગ બનાવે છે પરંતુ, આજે અહીંની પરિસ્થિતિ જ કંંઈક અલગ છે. ચારેબાજુ કાટમાળ દેખાઈ રહ્યો છે. રસ્તા જાણે પાણીમાં ડૂબી ગયા છે અને પાણીમાં લાશો તરી રહી છે. મોટાભાગના ઘરો તૂટી ગયા છે.
સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે વાયનાડમાં ભારે વરસાદ એક આફત બની ગયો હતો. સવારે 1 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ત્રણ વખત ભૂસ્ખલન થયું હતું અને પર્વતની નીચે ચેલિયાર નદીના કેચમેન્ટમાં આવેલા ચાર સુંદર ગામ મુંડક્કાઈ, ચૂરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝામાં વિનાશ સર્જાયો હતો.
50 કિ.મી. દૂર સુધી મળ્યા શબ :
આ ચાર ગામમાં મોટાભાગે ચાના બગીચામાં કામ કરતાંં કામદારો રહે છે. ત્યાં લગભગ 22 હજારની વસ્તી છે. રાત્રે 1 વાગ્યે જ્યારે પ્રથમ ભૂસ્ખલન થયું ત્યારે લોકો પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા. કોઈને બચવાની કે ભાગવાની તક મળી ન હતી. એક પછી એક વધુ બે ભૂસ્ખલન થતાં સમગ્ર વિસ્તાર કાટમાળ જ બની ગયો. ઘરમાં સૂતેલા લોકો કઈંક સમજે તે પહેલાં જ કાટમાળ નીચે દટાઈ ગયા.
પરિસ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભૂસ્ખલન સ્થળથી 50 કિલોમીટર દૂર 10 મૃતદેહ મળી આવ્યા હતા. બુધવારે પણ ચેલિયાર નદીમાંથી વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. મુંડક્કઈમાં વધુ 8 મૃતદેહો મળી આવ્યા હતા. આર્મી, નેવી, ઍરફોર્સ, એનડીઆરએફ અને કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીની મદદથી બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. હવામાન હજી પણ એટલું ખરાબ છે કે સૈનિકો પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને આ દુર્ઘટનામાંથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
800 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા :
સ્થાનિક લોકોનું કહેવું છે કે, સમસ્યા એ છે કે મુંડક્કઈ અને ચૂરલમાલ વચ્ચેનો પુલ તૂટી જવાને કારણે પાછળનો આખો વિસ્તાર અલગ થઈ ગયો છે. લગભગ 100 મીટર પહોળી ચૂરલમાલ નદીમાં પાણી ભરાવવાની સ્થિતિમાં છે. એનડીઆરએફની એક નાની ટીમ કોઈક રીતે નદી પાર કરીને બીજી બાજુ પહોંચવામાં સફળ રહી છે. આ ટીમની મદદથી અત્યાર સુધીમાં લગભગ 800 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
અધિકારીઓનું કહેવું છે કે હવામાન વિભાગે બે દિવસ માટે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે હેલિકોપ્ટર પણ ઊડી શકશે નહીં. આથી જમીન માર્ગે જ પાણી અને કાટમાળ વચ્ચે ફસાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બચાવ કામગીરી દિવસ-રાત ચાલી રહી છે, પરંતુ વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કેરળમાં અવિરત પૂર અને ભૂસ્ખલન :
2018માં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા સગર્ભા મહિલાઓને એરલિફ્ટ કરવાની તસવીરો હજુ પણ કેરળવાસીઓના મનમાં તાજી છે. અગાઉ ઑગસ્ટ 2018માં કેરળમાં આવેલી કુદરતી આફતમાં 483 લોકોના મોત થયા હતા. કેન્દ્ર સરકારે 2018ના પૂરને 'ડિઝાસ્ટર ઑફ સીરિયસ નેચર' તરીકે જાહેર કરી હતી. આ દુર્ઘટના પછી 3.91 લાખ પરિવારના 14.50 લાખથી વધુ લોકોને રાહત શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. કુલ 57,000 હેક્ટર કૃષિ પાક નાશ પામ્યો હતો.
2019માં બીજી આફત આવી હતી જ્યારે વાયનાડના પુથુમાલામાં ભૂસ્ખલન થયું હતું, જેમાં 17 લોકોના મોત થયા હતા. ઑક્ટોબર 2021માં અવિરત વરસાદને કારણે ફરીથી ભૂસ્ખલન થયું, રાજ્યના ઇડુક્કી અને કોટ્ટાયમ જિલ્લામાં 35 લોકો માર્યા ગયા. 2021માં કેરળમાં ભારે વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓએ 53 લોકોના જીવ લીધા હતા. ઑગસ્ટ 2022માં કેરળમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરમાં 18 લોકોના મોત થયા હતા.
મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સના જણાવ્યા અનુસાર, 2015 અને 2022ની વચ્ચે દેશમાં થયેલા 3782 ભૂસ્ખલનમાંથી સૌથી વધુ 2239 ભૂસ્ખલન કેરળમાં નોંધાયા છે.