લદ્દાખમાં19 દિવસથી આમરણ ઉપવાસ કરતા સોનમ વાંગચૂક સાથે કેડીએ જોડાયું
૬ઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ, પૂર્ણ રાજ્યના દરજ્જાની માગ સાથે ભૂખ હડતાળ
લદ્દાખમાં ૫,૦૦૦ લોકો માઈનસ ૧૦થી ૧૨ ડિગ્રી તાપમાનમાં ઉપવાસમાં જોડાયા ઃ સોનમ વાંગચૂકનો દાવો
કારગીલ: લદ્દાખનો ૬ઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ અને રાજ્યના દરજ્જાની માગ સાથે ખ્યાતનામ સામાજિક કાર્યકર અને પર્યાવરણવિદ સોનમ વાંગચૂક લેહમાં ૧૯ દિવસથી આમરણ ઉપવાસ પર છે. પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકારે તેમના તરફ ધ્યાન આપ્યું નથી. હવે તેમને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ (કેડીએ)નો સાથ મળ્યો છે. આ સંગઠને પણ રવિવારથી કારગિલમાં દેખાવો કર્યા હતા અને ત્રણ દિવસની ભૂખ હડતાળ શરૂ કરી છે. વધુમાં સોનમ વાંગચૂક સાથે લદ્દાખના હજારો લોકો પ્રતિકાત્મક ઉપવાસ કરી રહ્યા છે.
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય સાથે લદ્દાખની એપેક્સ બોડી લેહ (એબીએલ) અને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ (કેડીએ)ની વાતચીત નિષ્ફળ રહ્યા પછી '૩ ઈડિયટ' ફિલ્મથી જાણિતા બનેલા સોનમ વાંગચૂકે પોતાની માગણીઓ સાથે ૬ઠ્ઠી માર્ચથી ભૂખ હડતાળ શરૂ કરી હતી. તેમણે આ ભૂખ હડતાળને ક્લાઈમેટ ફાસ્ટનું નામ આપ્યું છે. સોનમ વાંગચૂક ૧૯ દિવસથી માત્ર પાણી અને મીઠાં પર ઉપવાસ કરી રહ્યા છે અને તેમનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હોવા છતાં કેન્દ્ર સરકારે તેમના તરફ કોઈ ધ્યાન આપ્યું નથી.
સોનમ વાંગચૂકે રવિવારે 'એક્સ' પર વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે, આજે મારી સાથે ૫,૦૦૦ લોકો ઉપવાસ કરી રહ્યા છે. સવારનું તાપમાન માઈનસ ચાર ડિગ્રી સે. છે. પ્રકૃતિને આપણી સંસદ અને નીતિ નિર્ધારણમાં કોઈ ગંભીર સ્થાન નથી મળતું. તેથી હું પ્રકૃતિને મતદાનનો અધિકારનો વિચાર રજૂ કરી રહ્યો છું. સોનમ વાંગચૂકને સોશિયલ મીડિયા પર જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે. આવા સમયે હવે કારગિલમાં કેડીએએ વાંગચૂકના સમર્થનમાં રવિવારથી ત્રણ દિવસની ભૂખ હડતાળ શરૂ કરી છે.
કારગિલ ડેમોક્રેટિક અલાયન્સના ૨૦૦થી વધુ સભ્યો, કોર્પોરેટરો, સ્થાનિક ધાર્મિક નેતાઓ, યુવાનો, નેતા અને સામાજિક કાર્યકરો રવિવારે કારગિલમાં હુસૈની પાર્ક પહોંચ્યા હતા અને ભૂખ હડતાળ શરૂ કરી છે. હુસૈની પાર્કમાં કેડીએના સમર્થકોએ 'લદ્દાખમાં લોકતંત્ર પુનઃ સ્થાપિત કરો, અમલદારશાહી સ્વીકાર્ય નથી'નો સૂત્રોચ્ચાર કર્યો હતો. તેઓ લેહ અને કારગિલમાં ૨૬ માર્ચ સુધી ભૂખ હડતાળ કરશે અને ત્યાર પછી આગળની રણનીતિ પર ચર્ચા કરાશે. કેડીએએના નેતા સજ્જાદ કારગિલે કેન્દ્ર સરકારને લદ્દાખના લોકોની ચિંતાઓનો ઉકેલ લાવવા વિનંતી કરી હતી.
સોનમ વાંગચૂકે દાવો કર્યો કે કેન્દ્ર સરકારે ચાર વર્ષ પહેલાં લદ્દાખવાસીઓને આપેલું તેનું વચન તોડયું છે. કેન્દ્ર સરકારે એક સમયે તેના વર્ષ ૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં લદ્દાખનો ૬ઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવા સહિતના વચનો આપ્યા હતા. પરંતુ હવે ચાર વર્ષ સુધી વચનો પૂરા કરવામાં વિલંબની રણનીતિ અપનાવ્યા પછી અંતે કેન્દ્ર સરકારે ૪ માર્ચે તેના વચનો પૂરા કરવાનો ઈન્કાર કરી દીધો હતો. કેન્દ્ર સરકારનું આવું વલણ નેતાઓ, સરકારો અને ચૂંટણી પર નિષ્ઠા ખતમ કરવા સમાન છે.