KCRના પુત્રી કે કવિતાની અટકાયત, દિલ્હી દારૂનીતિ કૌભાંડ કેસમાં EDએ લીધા એક્શન
કે.કવિતા સામે મની લોન્ડરિંગ કેસમાં તપાસના ભાગરૂપે ઈડીની કાર્યવાહી
અગાઉ EDએ કવિતાને બે સમન્સ મોકલ્યા હતા, છતાં તેઓ હાજર થયા ન હતા
K Kavitha Arrested : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લિકર પોલિસી કેસ (Delhi Excise Policy)માં તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (K. Chandrashekar Rao)ની પુત્રી કે.કવિતા (K Kavitha)ને કસ્ટડીમાં લીધી છે. ઈડીની ટીમ કવિતાને હૈદરાબાદથી દિલ્હી લઈને આવી રહી છે. એવું કહેવાય છે કે, મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ હેઠળ કવિતા સામે આ કાર્યવાહી કરાઈ છે. અગાઉ ઈડીની ટીમે કવિતાને બે વખત સમન્સ પાઠવ્યા હતા, જોકે તેઓ સમન્સની અવગણના કરી હતી. ત્યારબાદ ટીમે આજે આ કાર્યવાહી કરી છે.
ઈડીએ અગાઉ કવિતાને બે સમન્સ પાઠવ્યા હતા
ઈડીની ટીમે મની લોન્ડ્રિંગ કેસી તપાસ કરવા માટે હૈદરાબાદમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ની નેતા કે.કવિતાના ઘરે દરોડો પાડ્યો હતો. ઈડીએ તેમની પૂછપરછ કરી હતી. વાસ્તવમાં કવિતાએ ઈડીએ પાઠવેલા બે સમન્સની અવગણના કર્યા બાદ આ કાર્યવાહી થઈ છે.
કવિતાને 26 ફેબ્રુઆરીએ હાજર થવા સમન્સ પાઠવાયું હતું
કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ઈડીએ લોન્ડ્રિંગ કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેમની સામે 13 માર્ચ સુધી કોઈપણ દંડાત્મક કાર્યવાહી ન કરવા કહ્યું હતું. ઈડીએ 21 ફેબ્રુઆરીએ કે.કવિતાને સમન્સ પાઠવી 26 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે હાજર થયા કહ્યું હતું. જોકે તેઓ હાજર થયા ન હતા.
કવિતાનું લિકર કારોબારીઓની લોબી ‘સાઉથ ગ્રૂપ’ સાથે કનેક્શન
એવું કહેવાય છે કે, બે વખત સમન્સ પાઠવવા છતાં તેલંગણાની સાંસદ કવિતા હાજર ન થતા ઈડીએ આ કાર્યવાહી કરી છે. ઈડીએ દાવો કર્યો હતો કે, કવિતા લિકર કારોબારીઓની લોબી ‘સાઉથ ગ્રૂપ’ સાથે જોડાયેલી હતી. તેમણે 2021-22 માટેના દિલ્હી લિકર પોલિસીમાં એક મોટી ભૂમિકા નિભાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ નીતિ રદ કરી દેવામાં આવી છે.