Get The App

યોગી સરકારને સુપ્રીમ કોર્ટનો ફરી ઝટકો, નેમ પ્લેટ વિવાદ મામલે સ્ટે યથાવત્, દલીલો ફગાવી દીધી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
Supreme Court Of india
Image : IANS

SC on Nameplate Controversy: ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતી ખાણી-પીણીની દુકાનો પર નેમ પ્લેટ (દુકાન માલિકોના નામ) લગાવવાના યોગી સરકારના નિર્ણય સામે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે નેમ પ્લેટ લગાવવાાના આદેશ પર અગાઉનો સ્ટે યથાવત્ રાખ્યો હતો. આ ઉપરાંત કોર્ટે ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની સરકારને આ મામલે જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા બાદ સોમવારે થશે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત્ રહેશે.

સુપ્રીમ કોર્ટે અગાઉનો સ્ટે યથાવત્ રાખ્યો

ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાના રૂટ પર નેમ પ્લેટ લગાવવાના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ કરી તે અરજીઓને ફગાવી દેવા માટે કોર્ટને અપીલ કરી હતી. કાવડ યાત્રાના રૂટ પર નેમ પ્લેટ લગાવવાનો આદેશ સૌથી પહેલાં મુઝફ્ફરનગરથી શરુ કરવામાં આવ્યો હતો, બાદમાં યોગી સરકારે આ નિયમને સમગ્ર રાજ્યમાં લાગુ કરી દીધો હતો. ત્યારબાદ વિપક્ષે આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો અને નિર્ણય પાછો લેવા માગ પણ કરી હતી. સરકારના આ નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં 22 જુલાઈએ સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે લગાવતાં આદેશમાં કહ્યું હતું કે, દુકાનદારોએ તેમની ઓળખ જાહેર કરવાની જરૂર રહેશે નહીં. 

આ પણ વાંચો : ઉત્તરપ્રદેશમાં મોટા ઉલેટફેરના સંકેત, દિગ્ગજને હટાવી આ નેતાને બનાવાશે ઉપમુખ્યમંત્રી! સપાનો દાવો

ઉત્તર પ્રદેશની સરકારે કોર્ટમાં જવાબ આપ્યો

આજે (26 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશ સરકારે નેમ પ્લેટના નિર્ણય પર જવાબ આપતાં કહ્યું હતું કે, 'પારદર્શિતા લાવવા, સંભવિત ભ્રમથી બચવા અને શાંતિપૂર્ણ યાત્રાને સુનિશ્ચિત કરવા માટેનો આ વિચાર હતો. અગાઉ ગેરસમજને કારણે ઝઘડા અને તણાવની સ્થિતિ સર્જાઈ છે. એટલે ફરી આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે અમે(સરકારે) નેમ પ્લેટ લખવાની સૂચના આપી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલમ 71 હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.'

આગામી સુનાવણી 5 ઑગસ્ટે થશે

જસ્ટિસ ઋષિકેશ રોય અને એસ. વી. એન. ભાટીની બેન્ચે કહ્યું કે, '22 જુલાઈના આદેશ પર કોઈ સ્પષ્ટતા કરાશે નહીં કારણ કે અમે(બેન્ચ) 22 જુલાઈના અમારા આદેશમાં જે કંઈ કહેવાની જરૂર હતી તે કહી દીધું હતું.' તેમજ કોર્ટે ફરી પોતાના આદેશમાં કહ્યું કે 'નામ જાહેર કરવા માટે કોઈને દબાણ કરી શકાય નહીં.' હવે આ મામલે આગામી સુનાવણી 5 ઑગસ્ટ, સોમવારના રોજ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : કાશ્મીરની જેમ જ બંગાળનું પણ વિભાજન કરવા માંગે છે દિગ્ગજ ભાજપ નેતા, PM મોદીને કરી રજૂઆત

યોગી સરકારને સુપ્રીમ કોર્ટનો ફરી ઝટકો, નેમ પ્લેટ વિવાદ મામલે સ્ટે યથાવત્, દલીલો ફગાવી દીધી 2 - image


Google NewsGoogle News