કાવડ યાત્રા : ઢાબા, ફૂડ સ્ટોલ પર માલિકોએ નામ લખવાની જરૂર નહી
- ત્રણ રાજ્યોને સુપ્રીમમાં ફટકો, નેમ પ્લેટના આદેશ પર વચગાળાનો સ્ટે
- લોકોની જાણકારી માટે હોટેલ-ઢાબા પર વેજ કે નોનવેજ ફૂડ તેવું લખવું જોઇએ : સુપ્રીમનો નિર્દેશ
- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ સરકારને નોટિસ પાઠવી જવાબ માગ્યો, 26મીએ વધુ સુનાવણી કરાશે
નવી દિલ્હી : શ્રાવણ મહિના દરમિયાન કાવડ યાત્રા નિકળે ત્યારે યાત્રાના તમામ રૂટ પર ઢાબા કે અન્ય ફૂડ સ્ટોલના માલિકોને પોતાનું નામ લખવા ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે મુક્યો છે. સાથે જ કહ્યું છે કે સ્ટોલ-ઢાબાવાળાઓએ પોતાનું નામ દર્શાવવાની જરૂર નથી, તેઓ શાકાહારી કે માંસાહારી એમ ક્યા પ્રકારનું ભોજન વેચી રહ્યા છે તે જણાવવું જોઇએ. ઉ. પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ સરકારે પણ આ જ પ્રકારનો આદેશ આપ્યો હતો, જેના પર પણ સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. સાથે જ આ બન્ને રાજ્યો ઉપરાંત મધ્ય પ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રશાસન દ્વારા દુકાનદારો, ફૂડ સ્ટોલ ચલાવનારા તેમજ ઢાબાના માલિકોને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ પોતાની દુકાનો, ફૂડ સ્ટોલ કે ઢાબા પર તેનું જે પણ માલિક હોય તેનું નામ જાહેર જનતાને દેખાય તે રીતે દર્શાવે. આ આદેશને લઇને ખૂબ વિવાદ ચાલી રહ્યો છે, ખૂદ ભાજપના સાથી પક્ષો જ તેનો વિરોધ કરી રહ્યા છે અને તેને ધાર્મિક ભેદભાવ કરનારો ગણાવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં આ તમામ આદેશોની સામે અપીલ કરવામાં આવી છે અને તેના પર રોક લગાવવાની માગ કરાઇ છે.
અરજદારોના વકીલોએ સોમવારે સુનાવણી દરમિયાન ધારદાર દલિલો કરતા કહ્યું હતું કે પ્રશાસન-સરકારોના આ એક આદેશને કારણે નાગરિકના ચાર મૌલિક અધિકારોનું હનન થાય છે, આ દલીલની સુપ્રીમ કોર્ટે પણ નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઋષીકેશ રોય અને એસએનવી ભટ્ટીની બેંચે ત્રણેય રાજ્યોમાં અપાયેલા આ વિચિત્ર આદેશ પર હાલ વચગાળાનો સ્ટે મુક્યો છે, સાથે જ ત્રણેય રાજ્યોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે, હવે આ મામલે ૨૬મી તારીખે વધુ સુનાવણી કરવામાં આવશે. દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે કાવડિયાને શાકાહારી ભોજન મળી રહે તે માટે ફૂડ સેફ્ટીના સક્ષમ અધિકારી આદેશ જારી કરી શકે છે. તેથી દુકાનદારો શાકાહારી કે માંસાહારી ભોજન વેચી રહ્યા છે તે દર્શાવવું જોઇએ. જોકે દુકાન-સ્ટોલ વગેરેના માલિકોએ હાલ પોતાનું કે સ્ટાફનું નામ દર્શાવવાની જરૂર નહી રહે. આ અંગે વધુ નિર્ણય સપ્તાહ બાદ કરવામાં આવશે.
સુનાવણી ચાલી રહી હતી ત્યારે ન્યાયાધીશ એસવીએન ભટ્ટીએ હોટેલમાં જમવા અંગે થયેલો પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હું જ્યારે કેરળમાં સેવા આપી રહ્યો હતો ત્યારે એક વેજિટેરિયન હોટેલમાં જમવા માટે જતો હતો, આ હોટેલને એક મુસ્લિમ દ્વારા ચલાવવામાં આવતી હતી, આ મુસ્લિમ સંચાલક હોટેલમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવતા હતા અને ચોખ્ખુ શાકાહારી ભોજન પિરસતા હતા. હોટેલમાં ફૂડ સેફ્ટીની તમામ માહિતી બોર્ડ પર લગાવવામાં આવી હતી, દુબઇથી આવેલા આ મુસ્લિમ તમામ ધારાધોરણોનું પાલન કરતા હતા તેથી હું તેમની હોટેલમાં જમવા જવાનું પસંદ કરતો હતો.