કવિતાએ દિલ્હી એક્સાઇઝ નીતિ ઘડવા બદલ આપને રૂ. 100 કરોડ આપ્યા : ઇડી

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
કવિતાએ દિલ્હી એક્સાઇઝ નીતિ ઘડવા બદલ આપને રૂ. 100 કરોડ આપ્યા : ઇડી 1 - image


- કવિતા દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડનાં મુખ્ય કાવતરાખોર અને લાભાર્થી

- બીઆરએસ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની પુત્રીએ પોતાની ધરપકડને સુપ્રીમમાં પડકારી

નવી દિલ્હી : બીઆરએસ નેતા કે કવિતાએ અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદીયા સહિતના આપના ટોચના નેતાઓ સાથે મળીને દિલ્હી એકસાઇઝ નીતિનો લાભ ઉઠાવવા માટે કાવતરું ઘડયું હતું તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. ઇડીએ આરોપ મૂક્યો છે કે આ માટે દિલ્હીના શાસક પક્ષને ૧૦૦ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા હતાં.

તેલંગણાના પૂર્વ મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવના પુત્રી અને એમએલસી ૪૬ વર્ષીય કવિતાની ફેડરલ એજન્સીએ ગયા સપ્તાહમાં હૈદરાબાદ સ્થિત તેમના ઘરમાંથી ધરપકડ કરી હતી. તેમને ૨૩ માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં રાખવામાં આવશે. જો કે કવિતાએ ઇડીએ કરેલી ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. 

ઇડીએ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે તપાસમાં જાણવા મળ્યું છે કે કવિતાએ અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદીયા સહિતના આપના ટોચના નેતાઓ સાથે મળીને દિલ્હી એકસાઇઝ નીતિનો લાભ ઉઠાવવા માટે કાવતરું ઘડયું હતું.

એજન્સીએ જણાવ્યું છે કે પોતાની મરજી મુજબની નીતિ ઘડવા માટે કવિતા સહિતના નેતાઓએ આપના નેતાઓને ૧૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી.

ઇડીએ વધુમાં જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર અને કાવતરાની મદદથી દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો અમલ કરવામાં આવ્યો હતો. 

ઇડીએ ગયા સપ્તાહમાં જ પીએમએલએ કોર્ટને જણાવ્યું હતું કે કવિતા દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડના મુખ્ય કાવતરાખોર અને લાભાર્થી છે. 

ઇડીએ જણાવ્યું છે કે તેણે ૨૦૨૨માં કેસ દાખલ કર્યા પછી અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ૨૪૫ સ્થળોએ દરોડા પાડયા છે તથા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને આપ નેતા મનીશ સિસોદિયા તથા આપના અન્ય નેતા સંજય સિંહ તથા કેટલાક ઉદ્યોગપતિઓ સહિત કુલ ૧૫ લોકોની ધરપકડ કરી છે.


Google NewsGoogle News