'રેકી કરી, ગાઈડની મદદ બાદ અમેરિકન રાઈફલથી હુમલો...', કઠુઆ આતંકી હુમલા વિશે નવો ખુલાસો
Kathua Terror Attack: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સોમવારે થયેલા આતંકી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા અને આઠ ઘવાયા હતા, આ હુમલાની તપાસમાં સામે આવ્યું છે કે હુમલા પહેલા સ્થળ પર આતંકીઓ અને તેના સાથીદારોએ રેકી કરી હતી, એટલુ જ નહીં સ્થાનિક ગાઇડની પણ મદદ લેવામાં આવી હતી. આતંકીઓએ પહેલા જવાનોના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો, બાદમાં અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. હુમલામાં અમેરિકી M-4 કાર્બાઈનનો પણ ઉપયોગ થયો હતો.
સ્થાનિક ગાઇડે આતંકવાદીઓને છુપવામાં કરી મદદ
આતંકીઓએ કઠુઆના એવા વિસ્તારને હુમલા માટે પસંદ કર્યો હતો કે જ્યાં વાહનની ગતિ ધીમી હોય, કઠુઆના બડનોટામાં એવા રોડ છે જ્યાં વાહનની ગતિ પ્રતિ કલાક 15 કિમીની છે.
આતંકીઓએ સ્થળની રેકી કરી હતી, વિસ્તારોમાં રહેતા સ્થાનિક ગાઈડએ આતંકીઓને ભોજન પુરુ પાડયું હતું, આ ઉપરાંત છુપાવાની વ્યવસ્થા પણ કરી આપી હતી.
આતંકીઓ હુમલો કરીને ભાગ્યા તે બાદ પણ સ્થાનિક ગાઇડએ તેમને મદદ કરી હતી. એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે આ હુમલો બેથી ત્રણ પાકિસ્તાની આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે છે.
હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓ સામેલ
હુમલા માટે આતંકીઓએ અમેરિકામાં બનેલી M-4 કાર્બાઈન રાઈફલ્સ, વિસ્ફોટક ડિવાઈસ અને અન્ય ઘાતક તેમજ અતિ આધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ હથિયારો પણ પાકિસ્તાન પાસેથી આતંકીઓને મળ્યા છે.
સોમવારે બપોરે 3.30 વાગ્યે કઠુઆથી 150 કિમી દૂર લોહાઈ મલહારના બડનોટા ગામમાં આ હુમલો કરાયો હતો. હુમલા બાદ આતંકીઓ નજીકના જંગલ અને પહાડોમાં ભાગી ગયા હતા.
સમગ્ર મામલાની તપાસ કરી રહી છે એનઆઈએ
દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે શહીદોની શહાદતને એળે નહીં જવા દેવાય અને તમામ હુમલાખોરોનો સફાયો કરવામાં આવશે. હાલ સમગ્ર મામલાની તપાસ એનઆઈએ પણ કરી રહી છે તે જમ્મુ કાશ્મીર પોલીસને પણ મદદ કરશે.
શહીદ જવાનો ઉત્તરાખંડના રહેવાસી
જમ્મુ પ્રાંતમાં એક મહિનામાં આ પાંચમો મોટો આતંકી હુમલો છે. દરમિયાન જમ્મુના ડોડામાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. પાંચેય શહીદ જવાનો ઉત્તરાખંડના રહેવાસી છે.
ઉત્તરાખંડમાં હાલ શોકનો માહોલ
સૈન્ય વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઉત્તરાખંડમાં હાલ શોકનો માહોલ છે, શહીદોના પરિવારજનો આઘાતમાં જતા રહ્યા છે. શહીદ જવાન રાઈફલમેન આદર્શ નેગીએ હુમલાના એક દિવસ અગાઉ રવિવારે ફોન પર પોતાના પિતાની સાથે વાતચીત કરી હતી. જેના બીજા જ દિવસે દલબિરસિંહ નેગીને પોતાના પુત્રની શહાદતના સમાચાર મળ્યા હતી.