કાશ્મીરી પંડિત મહિલા પ્રોફેસરને ભારતમાં પગ મૂકવા ન દેવાયો, એરપોર્ટથી બ્રિટન પાછા મોકલાયા

- પ્રોફેસરને કર્ણાટકની કોંગ્રેસ સરકારે એક કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
કાશ્મીરી પંડિત મહિલા પ્રોફેસરને ભારતમાં પગ મૂકવા ન દેવાયો, એરપોર્ટથી બ્રિટન પાછા મોકલાયા 1 - image


Image Source: Twitter

બેંગ્લુરુ, તા. 26 ફેબ્રુઆરી 2024, સોમવાર

બ્રિટનની વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાં ભારતીય મૂળના પ્રોફેસરની બેંગ્લુરુ એરપોર્ટ પર પહોંચતા જ અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ એરપોર્ટથી બ્રિટન પાછા મોકલી દેવામાં આવ્યા. પ્રોફેસરને કર્ણાટકની કોંગ્રેસ સરકારે એક કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. લંડનમાં રહેતા પ્રોફેસર નિતાશા કૌલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી દાવો કર્યો કે, બેંગલુરુ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેમને કોઈ કારણ આપ્યા વિના અને ભારત સરકાર દ્વારા અગાઉથી કોઈ નોટિસ કે, સૂચના નથી મળી કે, તેમને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહીં આવશે.

કર્ણાટક સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક કોઈ નિવેદન નથી આવ્યું. સરકારે 24 અને 25 ફેબ્રુઆરીએ બે દિવસીય 'બંધારણ અને રાષ્ટ્રીય એકતા સમ્મેલન-2024'નું આયોજન કર્યું હતું જેમાં કૌલને વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. 

મારા તમામ દસ્તાવેજો અને વર્તમાન યુકે પાસપોર્ટ માન્ય: નિતાશા કૌલ

કૌલે કર્ણાટક સરકાર દ્વારા તેમને આપવામાં આવેલા આમંત્રણ અને અન્ય કોન્ફરન્સ-સંબંધિત પત્રોના ફોટા શેર કર્યા, જેમાં કહ્યું કે તેમને લોકશાહી અને બંધારણીય મૂલ્યો પર બોલવા માટે ભારતમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મને કર્ણાટક સરકાર દ્વારા સન્માનિત પ્રતિનિધિ તરીકે એક સમ્મેલનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કેન્દ્ર સરકારે મને પ્રવેશ આપવાનો ઈનકાર કરી દીધો. મારા તમામ દસ્તાવેજો અને વર્તમાન યુકે પાસપોર્ટ માન્ય છે.

નિતાશા કૌલે ભૂતકાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીકા કરી હતી

કૌલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની પોસ્ટમાં જણાવ્યું કે અધિકારીઓએ અનૌપચારિક રીતે સંકેત આપ્યો છે કે તેમને ભારતમાં પ્રવેશથી વંચિત કરી દેવામાં આવ્યા છે કારણ કે તેમણે ભૂતકાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીકા કરી હતી.

ભાજપની કર્ણાટક યુનિટે આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા પ્રોફેસરને 'ભારત વિરોધી તત્વ' અને 'ભારત તોડો બ્રિગેડ'નો હિસ્સો ગણાવ્યો છે. તેણે કૌલને આમંત્રણ આપવા બદલ કર્ણાટક સરકાર અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પણ ટીકા કરી હતી. ભાજપે કૌલને 'પાકિસ્તાની સમર્થક' ગણાવી X પર તેમના કેટલાક લેખોના શીર્ષકો પોસ્ટ કર્યા છે.

નિતાશા કૌલે કાશ્મીર ફાઈલ્સની પણ ટીકા કરી હતી

નિતાશા કૌલ કાશ્મીર મુદ્દે પણ લખતા અને બોલતા રહ્યા છે. તેમણે 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘન અંગે યુનાઈટેડ સ્ટેટ્સ હાઉસ કમિટી ઓન ફોરેન અફેર્સ સમક્ષ જુબાની આપી હતી. આ ઉપરાંત તેમણે કાશ્મીર ફાઈલ્સની પણ ટીકા કરી હતી. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જન્મેલી નિતાશા 1997માં લંડન જતા રહ્યા હતા. 2002 બાદ તે પાંચ વર્ષ માટે બ્રિસ્ટોલ બિઝનેસ સ્કૂલમાં અર્થશાસ્ત્રના સહાયક પ્રોફેસર રહ્યા હતા અને હવે તેઓ વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાં રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય મામલોના એસોસિયેટ પ્રોફેસર છે.


Google NewsGoogle News