Get The App

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ : ૨૦૦ લોકોની હત્યા માટે પીઓકેમાં કાવતરું ઘડાયું

જમ્મુમાં સરકારી કર્મીઓના ટ્રાન્સફર માટે સતત બીજા દિવસે ધરણાં

કાશ્મીર ખીણમાંથી ટ્રાન્સફર માટે સરકારી કર્મચારીઓની હાઈકોર્ટમાં રાવ, સતત બીજા દિવસે જમ્મુમાં સરકારી કર્મચારીઓના ધરણાં

Updated: Jun 3rd, 2022


Google NewsGoogle News
કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ : ૨૦૦ લોકોની હત્યા માટે પીઓકેમાં કાવતરું ઘડાયું 1 - image


નવી દિલ્હી, તા.૩

કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતો અને બહારથી નોકરી કરવા આવેલા હિન્દુઓની હત્યા થઈ રહી છે અને છેલ્લા કેટલાક સમયમાં આ હુમલા વધ્યા છે ત્યારે આ અંગે એક મોટો ખૂલાસો થયો છે. આ ટાર્ગેટ કિલિંગનું કાવતરું એક વર્ષ પહેલાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ના મુઝફ્ફરાબાદમાં રચાયું હતું. અહીં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને આતંકી જૂથો વચ્ચે એક બેઠક થઈ હતી, જેમાં કાશ્મીરમાં ૨૦૦ લોકોની હત્યા માટે યાદી તૈયાર કરાઈ હતી.

એક વર્ષ પહેલાં આઈએસઆઈ-આતંકી જૂથોની બેઠકમાં ટાર્ગેટ કિલિંગ માટે યાદી તૈયાર કરાઈ હતી, નવા નામથી હત્યાની જવાબદારી લેવા નિર્ણય કરાયો હતો 

કાશ્મીરમાં આતંકીઓએ છેલ્લા ૨૬ દિવસમાં ૧૦ લોકોની હત્યા કરી છે. આતંકીઓની ટાર્ગેટ કિલિંગની આ નીતિના પગલે લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા છે અને કાશ્મીર ખીણ છોડવા મજબૂર થઈ ગયા છે. કાશ્મીરમાં વધતા ટાર્ગેટ કિલિંગ પર નિયંત્રણ લાવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે હાઈપ્રોફાઈલ બેઠક યોજી હતી, જેમાં એનએસએ અજિત ડોભાલ, જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર મનોજ સિંહા, રૉ પ્રમુખ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

કાશ્મીરમાં વધતા ટાર્ગેટ કિલિંગ અંગે મોટો ખુલાસો કરતાં ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ હત્યાઓનું કાવતરું ગયા વર્ષે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ના મુઝફ્ફરાબાદમાં ઘડાયું હતું. અહીં આઈએસઆઈના અધિકારીઓ અને અન્ય આતંકી સંગઠનો વચ્ચે એક બેઠક થઈ હતી. આ બેઠકમાં ૨૦૦ લોકોની યાદી તૈયાર કરાઈ હતી, જેમના પર જીવલેણ હુમલા કરવાના છે. વધુમાં આતંકી જૂથો નવા નામોથી આ હત્યાઓની જવાબદારી લેશે એવો પણ નિર્ણય કરાયો હતો. બેઠકમાં કાશ્મીરી પંડિતો, આરએસએસ અને ભાજપના સ્થાનિક નેતાઓ સિવાય કેન્દ્ર સરકારના કર્મચારીઓને પણ નિશાન બનાવવા અંગે નિર્ણય લેવાયો હતો.

દરમિયાન કાશ્મીર ખીણમાં સ્થિતિ ૧૯૯૦થી પણ વધુ ખરાબ થઈ ગઈ છે. આતંકીઓએ ગુરુવારે જ બે અલગ અલગ ઘટનામાં એક બેન્ક કર્મચારી અને બિહારી મજૂરની હત્યા કરી હતી. છેલ્લા એક મહિનામાં ટાર્ગેટ કિલિંગ વધતા કાશ્મીરી પંડિતો અને સરકારી કર્મચારીઓએ ખીણ વિસ્તાર છોડવાનું શરૂ કરી દીધું છે.

બીજીબાજુ કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (કેપીએસએસ)એ બધા જ ધાર્મિક લઘુમતી પરિવારોની કાશ્મીર ખીણ બહાર સલામત સ્થળે ટ્રાન્સફર કરવા માટે સરકારને આદેશ આપવા હાઈકોર્ટમાં અરજી કરી છે. કેપીએસએસના પ્રમુખ સંજય કે. ટિકૂએ દાવો કર્યો હતો કે, કાશ્મિરમાં રહેતા હિન્દુઓ ખીણ છોડવા માગે છે, પરંતુ સરકાર તેમને જવા નથી દેતી. તેમણે આ સંદર્ભમાં સરકારને આદેશ આપવા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને અરજી કરી છે.

દરમિયાન શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓના એક જૂથે કાશ્મીર ખીણમાંથી ટ્રાન્સફર માટે સતત બીજા દિવસે ધરણાં કર્યા હતા. દેખાવકાર સરકારી કર્મચારીઓએ શુક્રવારે જમ્મુના પનામા ચોકમાં ધરણાં કર્યા હતા. સુરિન્દર કુમારે કહ્યું કે, ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ ખૂબ જ ગંભીર સ્થિતિ ઊભી કરી છે. તેથી અમે અમારી ફરજો બજાવવા માટે કાશ્મીર પાછા નહીં ફરીએ.


Google NewsGoogle News