'હું બદલાઈ નથી, પરંતુ કાશ્મીરમાં પરિસ્થિતિ બદલાઈ છે' પૂર્વ મોદીનાં ઉગ્ર ટીકાકાર શેહલા રશીદે યુ ટર્ન લીધો
- ફરિયાદ હોવા છતાં લોકો સરકારને પોતાની સરકાર માને છે
- હવે સામાન્ય નાગરિક પણ મોદીની રેલમાં જોડાવા લાઈન લગાવે છે કાશ્મીરમાં સરકારની ટીકા થાય છે પરંતુ લોકો સરકાર પોતાની જ માને છે
નવી દિલ્હી : એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉગ્ર ટીકાકાર બની રહેલાં અહીંની જેએનયુમાંથી પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરેલાં જેએનયુના વિદ્યાર્થી મંડળનાં પૂર્વ પ્રમુખ શેહલા રશીદ એકાએક યુ-ટર્ન લઈ હવે મોદીનાં પ્રશંસક બની રહ્યાં છે.
તેઓએ લીધેલા આ પરિવર્તન અંગે પત્રકારોએ પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું, 'હુ બદલાઈ નથી, પરંતુ કાશ્મીરમાં પરિસ્થિતિ બદલાઈ છે, અને તે પરિવર્તન રચનાત્મક રહ્યું છે.' તેઓએ આગળ જણાવ્યું કે 'અમે તે પણ જોયું કે કાશ્મીરમાં સામાન્ય નાગરિક પણ વડાપ્રધાનની રેલીમાં ઉપસ્થિત રહેવા લાઈન લગાડે છે. મારો હેતુ કંઈ શાસક પક્ષને માખણ મારવાનો તો નથી જ.' હું તેમ પણ કહેતી નથી કે કાશ્મીરમાં લોકો હવે 'મોદી મોદી મોદી' બોલવા લાગ્યા છે. ઉલટાપી લોકોને સરકાર સામે ફરિયાદો છે. પરંતુ લોકો સરકારને પોતાની સરકાર ગણે છે.
અહીં યોજાયેલી સીએનએનની ન્યૂઝ-૧૮ની 'રાઇઝિંગ ભારત સમિટ'માં બોલતાં જેએનયુનાં વિદ્યાર્થી મંડળના આ પૂર્વ ઉપપ્રમુખે કહ્યું હતું કે 'હું તે સ્વીકારૂં છું કે હજી ઘણા મુદ્દાઓ છે જ. જેવા કે 'વીજકાપ' કે રોડ સંબંધે પરંતુ તે મુદ્દાઓના દેશના અન્ય ભાગોમાં પણ છે. માત્ર કાશ્મીરમાં જ છે તેવું નથી.'
તેઓને સંવાદદાતાએ વધુમાં પૂછ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષેના તમારા અભિગમમાં પરિવર્તન ક્યારથી આવ્યું ? તેના ઉત્તરમાં તેઓએ કહ્યું કે કોવિદ-૧૯ મહામારીના સમયથી મારા અભિગમમાં પરિવર્તન આવ્યું છે તે સમયે કેન્દ્ર સરકારે ઝડપભેર પગલાં લેવા શરૃ કર્યા તેથી લાખ્ખોના જીવ બચી ગયા છે. તે સમયથી હું મોદીની પ્રશંસક બની રહી છું.