AAP છોડી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યને ઝટકો, પક્ષપલટા કાયદા હેઠળ સ્પીકરે સભ્યપદ છીનવ્યું
Kartar Tanwar Loses Delhi Assembly Membership: દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ છતરપુરના ધારાસભ્ય કરતાર સિંહ તંવરનું સભ્યપદ છીનવી લીધું છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી હતી. 2020ની વિધાનસભા ચૂંટણીમાં છતરપુર મતવિસ્તારમાંથી AAPની ટિકિટ પર ચૂંટાયેલા તંવરે પાર્ટી છોડી દીધી હતી. આ સાથે જ આ વર્ષે જુલાઈમાં એક અન્ય ધારાસભ્ય રાજ કુમાર આનંદ સાથે ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
પટેલ નગર અનામત મતવિસ્તારના ધારાસભ્ય આનંદે એપ્રિલમાં કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટી પણ છોડી દીધી હતી. આ પહેલા પણ સ્પીકરે તેમને ધારાસભ્ય તરીકે અયોગ્ય જાહેર કરી દીધા હતા.
દિલ્હી વિધાનસભા સચિવાલય દ્વારા મંગળવારે જારી કરવામાં આવેલ એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તંવરને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સ્પીકરે અયોગ્ય જાહેર કરી દીધા છે. 10 જુલાઈ 2024 થી તેમની વિધાનસભાની સદસ્યતા સમાપ્ત કરી દેવામાં આવી છે.
10 જુલાઈના રોજ ભાજપમાં સામેલ થયા હતા
10 જુલાઈના રોજ દિલ્હીના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ સાથે તંવર ભાજપમાં સામેલ થઈ ગયા હતા. રાજકુમાર આનંદને પહેલા જ અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે તેઓ ભાજપમાં જોડાયા ત્યારે દિલ્હીના તત્કાલિન સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ હતા.
નિયમો પ્રમાણે તંવરનું વિધાનસભાનું સભ્યપદ છીનવી લીધા બાદ છતરપુર વિધાનસભા બેઠક ખાલી થઈ ગઈ છે. છ મહિનામાં કોઈ પણ ખાલી પડેલી સીટ પર ચૂંટણી યોજવી જરૂરી છે, પરંતુ છ મહિનાની અંદર જ દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં આ બેઠક પર પેટાચૂંટણી નહીં થશે.
ઈન્કમટેક્સના દરોડા બાદ આવ્યા હતા ચર્ચામાં
કરતાર સિંહ કંવર ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે જુલાઈ 2016માં ઈન્કમટેક્સ દ્વારા તેમના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમના ફાર્મ હાઉસ અને ઓફિસ પર આવકવેરા વિભાગની ટીમે 27 જુલાઈના રોજ દરોડા પાડ્યા હતા.
2014માં AAPમાં થયા હતા સામેલ
વર્ષ 2014માં આમ આદમી પાર્ટીમાં સામેલ થનારા તંવરે જ્યારે પાર્ટી છોડી ત્યારે તેના પર તાનાશાહીનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દિલ્હીની હાલત જોઈને મને દુઃખ થઈ રહ્યું છે. તેમણે આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચારમાં ડૂબેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. 2015ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે છતરપુર બેઠક પરથી જીત હાંસલ કરી હતી. AAPમાં સામેલ થતાં પહેલા તેઓ ભાજપમાં હતા. 2007માં તેઓ વોર્ડ કાઉન્સિલરની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. રાજકીય સફર શરૂ કરતા પહેલા તંવર દિલ્હી જલ બોર્ડમાં જુનિયર એન્જિનિયર હતા.