કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો મામલો, હત્યાની જવાબદારી લેનારો રોહિત ગોદારા કોણ છે ?
૧૦ મીનિટ વાતચિત કર્યા પછી અચાનક જ હુમલો શરુ કરી દીધો
આ હત્યાના વીડિયો ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં ફરી રહયા છે
જયપુર,૫ ડિસેમ્બર,૨૦૨૩, મંગળવાર
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા થતા જયપુરમાં હાહાકાર મચી ગયો છે. તાજેતરમાં વિધાનસભાની યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસનો પરાજય થતા મુખ્યમંત્રી અશોક ગેહલોત વિદાય લઇ રહયા છે જયારે વિજેતા પક્ષ ભાજપ દ્વારા નવી સરકારની રચના થઇ રહી છે તેવા સમયે બનેલી આ ઘટના ખૂબ ચર્ચાનો વિષય બની છે. જયપુરમાં કાનુન અને વ્યવસ્થા પર લોકો સવાલ ઉઠાવી રહયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ૩ હુમલાખોરો સુખદેવસિંહ ગોગામેડીના ઘરમાં ઘુસીને ગોળીઓ છોડીને હત્યા કરી હતી. આ હત્યાના વીડિયો ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં ફરી રહયા છે આથી કરણીસેનાના અધ્યક્ષના સમર્થકોમાં ગુસ્સો જોવા મળે છે. આ હુમલામાં સુખદેવસિંહ ઉપરાંત ૪ લોકોની ગોળી વાગી જેમાં એક સુરક્ષાકર્મી અને એક હુમલાખોર પણ સામેલ છે. ક્રોસ ફાયરિંગમાં માર્યા ગયેલા હુમલાખોરનું નામ નવીનસિંહ શેખાવત છે જે જયપુરમાં કપડાની દુકાન ચલાવે છે.
સુખદેવસિંહના ઘાયલ સુરક્ષાકર્મીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્રણેય હુમલાખોરો સુખદેવસિંહ સાથે ૧૦ મીનિટ વાતચિત કર્યા પછી અચાનક જ હુમલો શરુ કરી દીધો હતો. આ હત્યાકાંડની જવાબદારી રોહિત ગોદારા નામના એક શખ્સે લીધી હોવાનું જાણવા મળે છે. ગોદારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગનો સાગરિત છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલના દાવા મુજબ રોહિત ગોદારાએ સુખદેવ ગોગામેડીની હત્યા થઇ તેની જવાબદારી લીધી છે જેમાં કપૂરસલ અને ગોલ્ડી બરારનું પણ નામ ઉચ્ચાર્યુ છે. આ હત્યાનું કારણ દુશ્મનો સાથે મળીને મદદ અને સમર્થન ગણાવ્યું છે.દુશ્મનોને પણ ચેતવણી આપીને જલ્દી મળવાની વાત કરી છે. એક માહિતી મુજબ રોહિત ગોદારા દુબઇમાં રહે છે ત્યાંથી જ તે લોરેન્સ બિશ્નોઇના ઇશારે ગુનાહિત ઘટનાઓ પાર પાડે છે.
રોહિત ગોદારા નકલી પાસપોર્ટની મદદથી ગત વર્ષ દુબઇ ભાગી ગયો હતો. સીકરમાં રાજુ ઠેહરની હત્યાનો આરોપ પણ રોહિત ગોદારા પર છે. રોહિત ગોદારાએ જ રાજુ ઠેહટની હત્યાની પણ જવાબદારી આવી જ રીતે ફેસબુકના માધ્યમથી લીધી હતી. પંજાબી સિંગપ સિધ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પણ રોહિત ગોદારાનું નામ આવ્યું હતું. વોન્ટેડ રોહિત ગોદારા પર એક લાખ રુપિયાનું ઇનામ અને રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યુ થયેલી છે.