રાણા સાંગા પર ટિપ્પણી કરનારા સાંસદના ઘરે કરણી સેનાનો હુમલો, પોલીસ સાથે અથડામણ
Karni Sena attacks house of MP: રાણા સાંગા અંગે નિવેદન આપનારા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન પર કરણી સેનાએ આક્રમક હુમલો કરી દીધો. કરણી સેનાના કાર્યકરો યુપીના આગરામાં રામજીલાલ સુમનના નિવાસે ત્રાટક્યા હતા અને આ દરમિયાન તેમની પોલીસ સાથે પણ માથાકૂટ થઇ ગઇ હતી. જેમાં એક પોલીસ ઈન્સપેક્ટર ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.
કરણી સેનાના અનેક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી
આ ઘટનામાં કરણી સેનાના અનેક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી છે. માહોલ તણાવપૂર્ણ બની ગયું છે. ખરેખર સાંસદ રામજીલાલ સુમનના નિવેદનથી આક્રોશિત કરણી સેનાના હજારો કાર્યકરો બુધવારે બપોરે એત્માદપુરના કુબેરપુરમાં આવેલા સાંસદના નિવાસે ધસી આવ્યા હતા.
પોલીસે લાઠીચાર્જ કરી દેતા અફરાતફરીની સ્થિતિ સર્જાઈ
આ દરમિયાન ત્યાં મોટાપાયે સુરક્ષાદળોની તહેનાતી પહેલાથી જ કરી દેવામાં આવી હતી. જ્યારે કરણી સેનાની ભીડે ઘરમાં ઘૂસવા પ્રયાસ કર્યો તો પોલીસ સાથે દલીલો થવા લાગી. થોડાક જ સમયમાં આ દલીલો અથડામણમાં ફેરવાઈ ગઈ જેના પછી પોલીસે લાઠીચાર્જ કરી દેતા અફરાતફરીની સ્થિતિ સર્જાઈ ગઇ હતી.
શું કહ્યું હતું રામજીલાલ સુમને..
ઉલ્લેખનીય છે કે, હાલમાં સપાના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમનનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ એવું કહેતા સાંભળવા મળી રહ્યા છે કે, 'રાણા સાંગા "ગદ્દાર" હતા અને ઈબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા જ બાબરને ભારતમાં લાવ્યા હતા.'