પતિનું દેવું ચૂકવવા પત્નીએ નવજાત બાળકને 1.5 લાખમાં વેચી માર્યું, કર્ણાટકની હચમચાવતી ઘટના
Wife Caught To sell 30 days Old Baby To settle Loan: કર્ણાટકના રામનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક મહિલાએ તેના પતિનું દેવું ચૂકવવા માટે પોતાના જ બાળકને વેચી માર્યું હતું. મહિલાએ પતિની જાણ બહાર જ 30 દિવસના નવજાતને બારોબાર વેચી દીધું હતું. પતિએ દીકરો ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ કરતાં આ ભાંડો ફૂટ્યો હતો.
1.5 લાખમાં વેચી માર્યું
મહિલાએ તેના 30 દિવસના નવજાત બાળકને 1.5 લાખ રૂપિયામાં વેચી માર્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. આ સાથે બાળકના ખરીદનાર અને અન્ય બે સહયોગીઓની પણ ધરપકડ કરાઈ છે. પોતાના જ બાળકને વેચવા પાછળનું કારણ મહિલાએ પતિના માથે દેવું હોવાનું જણાવ્યું હતું.
પિતાએ ફરિયાદ નોંધાવી
બાળકને બચાવીને માંડ્યાના બાળ કલ્યાણ ગૃહમાં મોકલી દેવાયો હતો. મહિલાના પતિએ 7 ડિસેમ્બર, 2024ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો નવજાત પુત્ર ઘરેથી ગુમ થયો હતો અને તેને તેની પત્નીની મિલીભગતથી કંઈક ખોટું થયું હોવાની શંકા હતી. પતિ-પત્ની બંને રોજીરોટી માટે મજૂરી કરે છે અને તેમને પાંચ બાળકો છે. ઓછી આવકના કારણે દંપતીને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી.
અગાઉ પણ બાળક વેચવાની વાત કરી હતી
અહેવાલ મુજબ, પિતાએ પોલીસને જણાવ્યું કે, "મારા પર 3 લાખ રૂપિયાથી વધુુુનું દેવું છે અને મારી પત્નીએ થોડા દિવસો પહેલાં જ મને સૂચન કર્યું હતું કે લોનની ચુકવણી કરવા માટે આપણે આપણા નવજાત બાળકને એક નિઃસંતાન દંપતીને વેચી દઈએ. પરંતુ મેં સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે તેણે આવું ક્યારેય ન વિચારવું જોઈએ."
સંબંધીને ત્યાં મોકલ્યાનું બહાનુ કર્યું હતું
નવજાત બાળકના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, "5 ડિસેમ્બરની સાંજે હું કામ પરથી ઘરે પાછો ફર્યો અને જોયું કે મારો પુત્ર ગુમ હતો. જ્યારે મેં પૂછપરછ કરી તો મારી પત્નીએ મને કહ્યું કે તેને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓ છે અને તેણે તેને એક સંબંધી પાસે મોકલી દીધો છે. આનાથી હું ભોજન લીધા બાદ કામ પર ગયો અને રાત્રે પાછો ફર્યો, પરંતુ ફરીથી મારા પુત્ર અને મારી પત્નીએ એ જ વાતનું પુનરાવર્તન કર્યું, પરંતુ આ વખતે મને શંકા હતી.
ફરિયાદમાં શું દાવો કર્યો
ફરિયાદીએ જણાવ્યું હતું કે, "જ્યારે મને શંકા ગઈ, ત્યારે મેં મારી પત્ની પાસેથી ડૉક્ટર કે સંબંધીનો નંબર માંગ્યો. પરંતુ તે બહાના કરવા લાગી, જેના કારણે અમારી વચ્ચે ઝઘડો થયો. ફરિયાદ બાદ મહિલા પોલીસ બાળકની માતાને મળવા ગઈ હતી. રિપોર્ટ અનુસાર એક તપાસ અધિકારીએ જણાવ્યું કે, "આરોપીએ બાળક તેના સંબંધી પાસે હોવાનું કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો." જો કે, આ પછી મહિલાએ કબૂલાત કરી હતી કે તેણે પોતાનું બાળક બેંગલુરુની એક મહિલાને 1.5 લાખ રૂપિયામાં વેચ્યું હતું.