કોંગ્રેસ નેતાની પુત્રીની હત્યા બાદ ભડકો, ABVPનો ઠેર ઠેર વિરોધ, કોંગ્રેસ-ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ
Karnataka Neha Hiremath Murder Case : કર્ણાટકમાં કોંગ્રેસના કાઉન્સિલરની પુત્રીની જાહેરમાં હત્યા બાદ રાજ્યમાં ભડકો થયો છે. એકતરફ એબીવીપીના સભ્યો રાજ્યભરમાં વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા છે. એબીવીપીના સભ્યોએ આજે રાજ્યના ગૃહમંત્રીના નિવાસસ્થાન બહાર ભારે હોબાળો કર્યો હતો. કોલેજના એક પૂર્વ વિદ્યાર્થીએ 18 એપ્રિલે કાઉન્સિલની પુત્રી પર સાતવાર ચાકુથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી. યુવકે યુવતીના ગળા અને પેટ સહિત શરીર પર છરીથી સાત ઘા માર્યા હતા. આ દરમિયાન યુવકને પણ ઈજા થઈ હતી. કોંગ્રેસે આ ઘટનાને અંગત અદાવત ગણાવી છે, તો ભાજપ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા ખાડે ગયાનો હોવાનો કરી રહ્યો છે. ભાજપના નેતાએ આ ઘટનાને ‘લવ જેહાદ’ સાથે પણ જોડી છે.
યુવતી સાથે સંબંધ હોવાનો યુવકનો ખુલાસો
23 વર્ષની નેહા હિરેમઠ હુબલીની કોલેજમાં માસ્ટર ઑફ કમ્પ્યુટર એપ્લિકેશનના ફર્સ્ટ યરની વિદ્યાર્થિની હતી. ફયાઝ ખોંડુનાઈક નામનો એક વિદ્યાર્થી અગાઉ તેનો ક્લાસમેટ હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ફૈયાઝે નેહા પર ચાકુના આડેધડ વાર કર્યા હતા. પૂછપરછમાં તેણે યુવતી સાથે સંબંધ હોવાનો પણ ખુલાસો કર્યો છે. જોકે યુવતી ઘણા સમયથી ફૈયાઝથી બચવાનો પ્રયાસ કરી રહી હતી. હત્યાની તપાસમાં પોલીસને આશંકા છે કે, યુવતીએ વાત ન માનતા તેણે તેની હત્યા કરી દીધી છે.
રાજ્યમાં કાયદો-વ્યવસ્થા ખરડાયો, ભાજપ નેતાનો આક્ષેપ
કોંગ્રેસ નેતાની પુત્રીની હત્યા થયા બાદ રાજ્યની સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષી ભાજપ વચ્ચે રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી અને ધારવાડ લોકસભાના ભાજપ ઉમેદવાર પ્રહલાદ જોશીએ આ ઘટના પાછળ લવ જેહાદ હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ સરકારના રાજમાં કાયદો-વ્યવસ્થા સંપૂર્ણ ખાડે ગઈ છે. તો બીજી તરફ ગૃહમંત્રી જી. પરમેશ્વરે (G Parameshwara) કહ્યું કે, હજુ સુધી કોઈપણ લવ જેહાદની આશંકા સામે આવી નથી.
લવ જેહાદના કારણે પુત્રીની હત્યા, પિતાનો દાવો
મૃતક યુવતીના કાઉન્સિલર પિતાએ હત્યા પાછળ લવ જેહાદ હોવાનો દાવો કર્યા બાદ કર્ણાટક સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. કોંગ્રેસ કાઉન્સિલર નિરંજન હિરેમથે (Niranjan Hiremath) મીડિયા સામે કહ્યું કે, ‘આરોપીએ પુત્રીને ફસાવવાની યોજના બનાવી હતી. આરોપી ઘણા સમયથી ષડયંત્ર રચી રહ્યો હતો. તેણે મારી પુત્રીને ફસાવવાની અથવા મારી નાખવાની યોજના બનાવી હતી. તે મારી પુત્રીને ધમકી આપી રહ્યો હતો. જોકે મારી પુત્રીએ તેની ધમકીઓ પર ધ્યાન ન આપ્યું. મારી પુત્રી સાથે જે પણ થયું તેણે આખા રાજ્ય અને દેશે જોયું. જો તેઓ ઘટનાને પર્સનલ હોવાનું કહે છે તો તેમાં પર્સનલ શું છે? શું તેઓ મારા સંબંધી છે?’
કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી (Meenakshi Lekhi)એ પણ રાજ્યની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધી કહ્યું કે, ‘પાર્ટીના નામમાં સીનો અર્થ ભ્રષ્ટાચાર, ગુનાહિતતા અને સાંપ્રદાયિક હિંસા છે. કોઈપણ સરકારની સુનિશ્ચિત કરવાની જવાબદારી છે કે, આપણા બાળકોને શાળામાં યોગ્ય નૈતિક શિક્ષણ મળે. લોકોમાં વિશ્વાસ હોવો જોઈએ કે, રાજ્યનો કાયદો અને તંત્ર ખોટું કામ કરનારાઓને સજા આપશે, જોકે આ મામલે રાજ્યની કોંગ્રેસ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે.’
કર્ણાટકમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી: શિવકુમાર
બીજીતરફ કોંગ્રેસે વળતો જવાબ આપતા કહ્યું કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી છે. ભાજપ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાનો પ્રયાસ કરી રહી છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે (D.K.Shivakumar) કહ્યું કે, ‘ભાજપ અમને ધમકાવવાનો પ્રયાસ કરી રહી છે. કર્ણાટકમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી છે. તેઓ મતદારોને બતાવવા માંગે છે કે, રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાજપ નેતા અને વિપક્ષના નેતા આર.અશોક ગુપ્ત રીતે આવા પ્રયાસો કરી રહ્યા છે. તેઓ આ બધું નાટક કરી રહ્યા છે, પરંતુ તેઓ આવું નહીં કરી શકે, આ અસંભવ છે.’
હત્યા અંગે સિદ્ધારમૈયાએ શું કહ્યું?
ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Siddaramaiah)એ પણ લવ જેહાદના દાવાને રદિયો આપ્યો છે. તેમણે કહ્યું કે, ખાનગી કારણસર હત્યા કરવામાં આવી છે અને રાજ્યમાં કાયદો-વ્યવસ્થા બિલકુલ બરાબર ચાલી રહી છે.
રાજ્યના ગૃહમંત્રીના નિવાસસ્થાન બહાર ABVPના સભ્યોનો વિરોધ
નેહાની હત્યા મુદ્દે એબીવીપીના સભ્યો અને હિન્દુ કાર્યકર્તાઓ રાજ્યભરમાં વિરોધ કરી રહ્યા છે. તેમણે આરોપી ફૈયાઝને મોતની સજા આપવાની માંગ કરી છે. એબીવીપીના સભ્યોએ આજે રાજ્યના ગૃહમંત્રીના નિવાસસ્થાન બહાર ભારે દેખાવો કર્યા હતા. આ દરમિયાન દેખાવકારોએ આરોપી ફૈયાઝની તસવીરો પણ સળગાવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ઘણા સભ્યોને કસ્ટડીમાં લીધા છે. જ્યારે હિન્દુ કાર્યકર્તાએ હત્યાના વિરોધમાં રામનગર, કલબુર્ગી અને વિજયપુરા જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરી ટાયરો, પૂતળાં અને ફૈયાઝની તસવીરો સળગાવી હતી.