કર્ણાટકમાં નર્સે ભારે કરી! ઘા પર ટાંકા લેવાની જગ્યાએ ફેવિક્વિક ચોંટાડી દેતા સસ્પેન્ડ કરાઈ
Karnataka: કર્ણાટકની એક સરકારી હોસ્પિટલમાં નર્સની મોટી બેદરકારી સામે આવી છે. આ સરકારી હોસ્પિટલમાં એક નર્સે ઘા પર ટાંકા લેવાને બદલે ફેવિક્વિક ચોંટાડી દીધી. જોકે, ફરિયાદ બાદ આ નર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બુધવારે બોલાવાયેલી બેઠકમાં તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તબીબી ઉપયોગ માટે ફેવિક્વિકની મંજૂરી નથી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ સેવાઓના કમિશનરના કાર્યાલયના એક નિવેદન પ્રમાણે ફેવિક્વિક એક ચોંટાડનારો પદાર્થ જેની નિયમો હેઠળ તબીબી ઉપયોગ માટે મંજૂરી નથી.
આ મામલે બાળકની સારવાર માટે ફેવિક્વિકનો ઉપયોગ કરીને ફરજમાં બેદરકારી દાખવવા બદલ જવાબદાર સ્ટાફ નર્સને પ્રાથમિક રિપોર્ટ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને નિયમો અનુસાર વધુ તપાસ પેન્ડિંગ છે.
ઘટના 14 જાન્યુઆરીના રોજ થઈ હતી
આ ઘટના 14 જાન્યુઆરીના રોજ હાવેરી જિલ્લાના હનાગલ તાલુકાના અદૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બની હતી, જ્યારે સાત વર્ષના ગુરુકિશન અન્નપ્પા હોસમાનીના ગાલ પર ઊંડા ઘા હોવાથી ખૂબ લોહી વહી રહ્યું હતું. તેના માતા-પિતા તેમને પ્રાથમિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા હતા.
નર્સ વર્ષોથી આ કરી રહી છે
માતા-પિતાએ નર્સનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તે કહી રહી છે કે હું વર્ષોથી આ કરી રહી છું અને તે વધુ સારું છે કારણ કે ટાંકા બાળકના ચહેરા પર કાયમી ડાઘ છોડી દેશે. બાદમાં તેમણે સત્તાવાર ફરિયાદ નોંધાવી અને વીડિયો પણ જમા કર્યો હતો.
વીડિયો પુરાવા હોવા છતાં આ નર્સને સસ્પેન્ડ કરવાને બદલે અધિકારીઓએ તેને 3 ફેબ્રુઆરીના રોજ અન્ય એક આરોગ્ય સુવિધા હાવેરી તાલુકામાં ગુત્થલ આરોગ્ય સંસ્થામાં ટ્રાન્સફર કરી દીધી હતી જેના કારણે લોકોમાં વધુ રોષ ફેલાયો. ત્યારબાદ મુખ્ય સચિવે નર્સને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો.