કર્ણાટકમાં મંદિરના ઉત્સવમાં મોટી દુર્ઘટના, પહાડ પર ઉમટી ભીડ, લપસી જતાં અનેક શ્રદ્ધાળુ ઘાયલ
Karnataka News: કર્ણાટકના ચિક્કમગલુરૂ જિલ્લાના મલ્લેનાહલ્લીમાં દેવીરામ્મા પહાડી મંદિરમાં એક દુઃખદ ઘટના બની છે. મંદિરમાં ગુરૂવારે સાંજે શ્રદ્ધાળુઓની મોટાપાયે ભીડ ઉમટી પડી હતી. જ્યાં અચાનક અનેક શ્રદ્ધાળુઓ પહાડ પરથી લપસી ગયા હતા. જેમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. આ ઘટના બનવા પાછળનું કારણ આ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પડી રહેલો વરસાદ છે.
મંદિરમાં ઉત્સવ દરમિયાન દુર્ઘટના
કર્ણાટકના ચિકમંગલુરૂ જિલ્લામાં આવેલા મલ્લેનહલ્લીમાં દેવીરામ્મા પહાડી મંદિર છે. જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. મંદિરમાં ગુરૂવાક સાંજે એક ઉત્સવનું આયોજન હતું. તે દરમિયાન દર્શને આવેલા શ્રદ્ધાળુઓ અચાનક પહાડ પર ભીની ચીકણી માટીમાં લપસી જતાં પડી ગયા હતા. જેમાં પાંચ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ દિગ્ગજ મુખ્યમંત્રની વય અંગે છંછેડાયો મોટો વિવાદ, 5 વર્ષમાં 7 વર્ષ ઉંમર વધી! બધા ચોંકી ગયા
વર્ષમાં એક વખત ખુલે છે મંદિર
મલ્લેનાહલ્લીમાં પહાડની ટોચે આવેલું દેવીરામ્મા મંદિર વર્ષમાં એક વખત જ દિવાળીના દિવસે ખુલે છે. શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરવા માટે એક વર્ષ સુધી રાહ જુએ છે. એક દિવસ માટે જ મંદિર ખુલતાં ભક્તોની મોટાપાયે ભીડ ઉમટી પડે છે. ભક્તો બાબાબુદનગિરીના માણિક્યધારા અને અરિસિનાગુપ્પે થઈને મંદિર દર્શને આવે છે.
વરસાદના લીધે મુશ્કેલી વધી
મંદિરના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેમ છતાં અનેક લોકો બુધવારે મંદિર દર્શન માટે પહોંચ્યા હતા. ગુરૂવારે પહાડ પર ભક્તોની સંખ્યા વધી હતી. જિલ્લા પ્રશાસન અને પોલીસે સુરક્ષા સુનિશ્ચિત કરતાં બંદોબસ્ત ગોઠવ્યો હોવા છતાં લોકો લપસી પડ્યા હતા.