મુડા કૌભાંડ મામલે દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા - શિવકુમાર, કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કરી બેઠક

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
Karnataka Muda Scam Congress Meeting


Karnataka Muda Scam CM Siddaramaiah And DK Shivakumar : કર્ણાટકના મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (મુડા)માં રૂપિયા 5000 કરોડના કથિત કૌભાંડ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમની પત્નીનું નામ સામે આવતા રાજ્યમાં કોંગ્રેસ સરકાર બેકફુટ પર ધકેલાઈ ગઈ છે. આ કૌભાંડ મુદ્દે ચર્ચા કરવા સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર દિલ્હી પહોંચ્યા છે, જ્યાં બંને નેતાઓએ કોંગ્રેસના હાઈકમાન્ડ સહિત ટોચના નેતાઓ સાથે મહત્વની બેઠક યોજી છે. 

કૌભાંડ મામલે સુનાવણી પહેલા રણનીતિ ઘડવા યોજી બેઠક?

સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડ મામલે 29મીએ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે, જેના માટે રણનીતિ ઘડવા માટે આ બેઠક યોજવામાં આવી છે. આ સુનાવણી મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (મુડા)માં થયેલા કૌભાંડ અંગે થશે. બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi), સિદ્ધારમૈયા, શિવકુમાર વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ હતી. કર્ણાટકના બંને નેતાઓ સાથે ગૃહમંત્રી જી.પરમેશ્વર, સમાજ કલ્યાણ મંત્રી એચ.સી.મહાદેવપ્પા, લઘુમતી અને આવાસ મંત્રી બી.ઝેડ.ઝમીર અહેમદ ખાન, વિધાન પરિષદ કે.ગોવિંદરાજુ અને ઉર્જા મંત્રી કે.જે.જ્યોર્જ પણ દિલ્હી પહોંચ્યા હતા.

કોંગ્રેસ-ભાજપના સામસામા આક્ષેપ

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના રાજ્યપાલે મુડા કૌભાંડમાં મુખ્યમંત્રી સામે કેસ ચલાવવાની 17 ઓગસ્ટે પરવાનગી આપ્યા બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર રાજ્ય સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યાં છે. વિપક્ષ ભાજપ પણ મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કરીને રાજીનામાની માંગ કરી રહી છે. ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે, 'કર્ણાટકની કોંગ્રેસ સરકાર કદાચ દેશના ઈતિહાસની ભ્રષ્ટ સરકાર છે અને લૂટ-જૂઠને પોતાનું પ્રાથમિક એજન્ડા બનાવી દીધું છે. સરકારના દરેક વિભાગને લૂટી લેવામાં આવી રહ્યાં છે.'

5000 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ : ભાજપ 

ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે, 'કર્ણાટકની કોંગ્રેસ સરકાર કદાચ દેશના ઈતિહાસની ભ્રષ્ટ સરકાર છે અને લૂટ-જૂઠને પોતાનું પ્રાથમિક એજન્ડા બનાવી દીધું છે. સરકારના દરેક વિભાગને લૂટી લેવામાં આવી રહ્યાં છે. મુડા કૌભાંડમાં 5000 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે. જેમાં મોંઘી જમીન મુખ્યમંત્રીના પત્ની, મિત્રો અને સહયોગીઓમાં વહેંચી છે અને મુખ્યમંત્રીએ તેમના સોગંદનામામાં પણ આ વાતનો ખુલાસો કર્યો નથી. ત્યારે મુખ્યમંત્રીએ રાજીનામુ આપવુ જોઈએ જેથી મુડા કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ થઈ શકે.'

આ પણ વાંચો : ટ્યુશન ક્લાસથી પરત ફરતી સગીરા પર ત્રણ રાક્ષસોનું દુષ્કર્મ, લોકો ભડક્યા, CMએ કહ્યું ‘વિશેષ સમુદાય સક્રિય, નહીં છોડીએ’

સિદ્ધારમૈયા વિરુદ્ધ 29 ઓગસ્ટ સુધી કોઈ કાર્યવાહી ન કરવા કોર્ટનો આદેશ

આ કેસ મામલે 19 ઓગસ્ટના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે નીચલી અદાલતને કથિત મુડા કેસમાં સિદ્ધારમૈયા વિરૂદ્ધ 29 ઓગસ્ટ સુધી કોઇ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો. આગામી સુનાવણી 29 ઓગસ્ટે જ થશે. સિદ્ધારમૈયાની રિટ પિટિશન પર સુનાવણી કરતી વખતે હાઇકોર્ટના ન્યાયાધીશ એમ નાગપ્રસન્નાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી સામે વધુ કાર્યવાહી કરવાની પરવાનગી આપતો કોઈપણ આદેશ આ કોર્ટ સમક્ષની કાર્યવાહીને બગાડશે. કોર્ટ સમક્ષ કાર્યવાહી પેન્ડિંગ હોવાથી અને દલીલો હજુ પૂર્ણ થઈ નથી. તેથી, સંબંધિત કોર્ટ કેસની આગામી સુનાવણી સુધી તેની કાર્યવાહી સ્થગિત કરશે. આ ફરિયાદોના સંબંધમાં કોઈ પ્રારંભિક કાર્યવાહી કરવામાં આવશે નહીં. 

હાઈકોર્ટમાં સુનાવણી બાદ સિદ્ધારમૈયાએ શું કહ્યું હતું?

રિટ પિટિશન દાખલ કર્યા બાદ સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, મારો અંતરાત્મા સ્પષ્ટ છે. મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. મને કોર્ટમાંથી રાહત મળવાનો વિશ્વાસ છે, કારણ કે મેં કંઈ ખોટું કર્યું નથી. હું 40 વર્ષથી રાજકારણમાં છે અને મારા રાજકીય જીવનમાં એક પણ દાગ નથી. મારું રાજકીય જીવન એક ખુલ્લું પુસ્તક છે. રાજભવનનો ઉપયોગ કરીને ભાજપ અને જેડી(એસ)એ મારી છબી ખરાબ કરવાનું કાવતરું ઘડ્યું છે. તેમણે કહ્યું કે અમે રાજકીય લડાઈની સાથે કાયદાકીય લડાઈ પણ લડીશું. હું રાજકીય લડાઈ દરમિયાન વધુ ઉર્જા અનુભવું છું. હું આ સતત કરતો આવ્યો છું. મેં આ પહેલા પણ કર્યું છે, અત્યારે પણ કરીશ અને ભવિષ્યમાં પણ કરીશ.

આ પણ વાંચો : ‘મદરેસામાં બાળકીઓને અશ્લીલ વીડિયો દેખાડી...’ ગૃહમાં વિપક્ષી નેતાઓ પર વરસ્યા ભાજપ નેતા

શું છે MUDA કેસ

મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (મુડા)નું કામ મૈસૂરમાં શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને લોકોને પોસાય તેવા ભાવે આવાસ પૂરા પાડવાનું છે. વર્ષ 2009માં મુડાએ શહેરી વિકાસને કારણે જમીન ગુમાવનારા લોકો માટે 50:50ની યોજના જાહેર કરી હતી. આ યોજના હેઠળ જે લોકોની જમીન સંપાદિત કરવામાં આવશે તેમને મુડા દ્વારા વિકસિત જમીનના 50 ટકા પ્લોટ ફાળવવામાં આવશે. જો કે વર્ષ વર્ષ 2020માં તત્કાલીન ભાજપ સરકારે આ યોજના બંધ કરી દીધી હતી. જો કે, યોજના બંધ થયા પછી પણ મુડાએ 50:50 યોજના ચાલુ રાખી અને તે હેઠળ જમીનો સંપાદન અને ફાળવવાનું ચાલુ રાખ્યું.

એવો આરોપ છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાસે મૈસૂરના કેસારે ગામમાં 3 એકર અને 16 ગુંટા જમીન હતી, જે તેમના ભાઈ મલ્લિકાર્જુને પાર્વતીને ભેટમાં આપી હતી. પાર્વતીની જમીન મુડા દ્વારા વર્ષ 2021માં હસ્તગત કરવામાં આવી હતી. બદલામાં પાર્વતીને મોંઘા વિસ્તારમાં 14 જગ્યાઓ ફાળવવામાં આવી હતી. એવો આરોપ છે કે મુડાએ આ જમીન સંપાદિત કર્યા વિના દેવનુર ત્રીજા તબક્કાની યોજના વિકસાવી હતી.


Google NewsGoogle News