કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે ભાષા વિવાદ: કંડક્ટરની પિટાઈ બાદ બસોની અવરજવર બંધ
Karnataka-Maharashtra Bus Service Suspended: કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ના એક બસ કંડક્ટરને કથિત રૂપે મરાઠી ન બોલવાના કારણે અમુક લોકોએ માર માર્યો છે. આ ઘટના કર્ણાટકના બેલગાવી શહેરમાંથી સામે આવી છે. આ વિસ્તાર મહારાષ્ટ્ર બોર્ડર પાસે આવેલો છે. આ સમગ્ર ઘટનાએ કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે આંતરરાજ્ય વિવાદનું રૂપ લઈ લીધું છે. બંને રાજ્યો વચ્ચે બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. આખરે બેલગાવીમાં એવું તો શું છે, જે મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચે હંમેશા વિવાદનું કેન્દ્ર બને છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે (21 ફેબ્રુઆરી) કર્ણાટકમાં બેલેગાવીમાં બસ કંડક્ટર મહાદેવ હુક્કેરીને ફ્રી ટિકિટના એક વિવાદના કારણે માર મારવામાં આવ્યો હતો. કર્ણાટકમાં મહિલાઓને બસમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવે છે. પરંતુ, એક પુરૂષ મુસાફર મફતમાં ટિકિટ માંગી રહ્યો હતો. 51 વર્ષના પીડિત કંડક્ટરે જણાવ્યું કે, મફત ટિકિટનો ઈનકાર કરાતા મુસાફરે કહ્યું કે, મરાઠીમાં બોલો. આ દરમિયાન કંડક્ટરે કહ્યું કે, મને ફક્ત કન્નડ જ આવડે છે. ત્યારબાદ વિવાદ વધી ગયો અને બસમાં બેઠેલાં 6 થી 7 લોકોને તેના પર હુમલો કરી દીધો અને બસ રોકાતા 50 અન્ય લોકો હુમલો કરવા આવી ગયાં.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં વનીકરણ ભંડોળમાંથી આઈફોન, લેપટોપ ખરીદાયા: CAG રિપોર્ટમાં ખુલાસો
કંડક્ટર સામે POCSO દાખલ
પોલીસ કમિશનર એડા માર્ટિને જણાવ્યું કે, આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. વળી, એક 14 વર્ષના યુવકની કંડક્ટર પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ સગીર આરોપીએ કંડક્ટર પર યૌન ઉત્પીડનનો પણ આરોપ લગાવ્યો છે. પોલીસે કંડક્ટર સામે POCSO એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બસમાં કરી તોડફોડ
હુમલાના એક દિવસ બાદ શનિવારે (22 ફેબ્રુઆરી) અનેક વિસ્તારોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો છે. અનેક કન્નડ સંગઠનોએ વિરોધ પ્રદર્શન અને માર્ચ કાઢી હતી. ત્યારબાદ, કર્ણાટક નવ નિર્માણ સેનાના સભ્યોએ ચિત્રદુર્ગમાં એક મરાઠી બસ કંડક્ટરનો ચહેરો કાળો કરી દીધો હતો. આ સિવાય આ બસના કાચ પણ તોડી દેવામાં આવ્યા હતાં.
કર્ણાટક-મહારાષ્ટ્ર વચ્ચે બસ સેવા રદ
હુમલા બાદ આ વિસ્તારમાં તણાવ પેદા થયો છે. કર્ણાટકના બેલગાવીથી મહારાષ્ટ્ર માટેની બસ સેવા રોકી દીધી છે. આ દરમિયાન ફક્ત કોગનોલી ચેકપોઇન્ટ સુધી જ બસ મોકલવામાં આવી. બાદમાં મહારાષ્ટ્રે પણ કર્ણાટક માટે બસ સેવા બંધ કરી દીધી છે. મહારાષ્ટ્ર ફક્ત કાગલ તાલુકા સુધી જ બસ મોકલે છે.
મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચેના વિવાદનો ઈતિહાસ
- બેલગાવી લાંબા સમયથી કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે પ્રાદેશિક વિવાદનું કેન્દ્ર રહ્યું છે. અહીં મરાઠી ભાષી લોકોની સારી એવી વસ્તી છે. વર્ષ 1947માં આઝાદી બાદ ભાષાના આધારે વહેંચાયેલા રાજ્યોના વિભાજનની માંગ ઊભી થવા લાગી હતી. ત્યારબાદ વર્ષ 1956માં રાજ્ય પુનર્ગઠન કાયદો બન્યો. જે અંતર્ગત 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યાં. તે સમયેમહારાષ્ટ્ર મુંબઈ અને કર્ણાટક મૈસુરના નામે જાણીતું હતું. રાજ્ય પુનર્ગઠન આયોગ (SRC)ની ભલામણ બાદ બેલગાવી, કારવાર, બીદર અને ભાલકી સહિત અનેક મરાઠી ભાષી વિસ્તાર કર્ણાટક (તત્કાલિન મૈસુર રાજ્ય) માં ભળી ગયા.
- વર્ષ 1966માં કેન્દ્ર સરકારે મેઘનાથ મહાજન આયોગની રચના કરવામાં આવી છે. આ અહેવાલમાં 264 ગામ મહારાષ્ટ્ર અને 247 ગામ કર્ણાટકને આપવાની ભલામણ કરવામાં આવી. મહારાષ્ટ્રે આ રિપોર્ટને નકારી દીધો. જોકે, કર્ણાટકે તેને લાગુ કરવાની માંગ કરી હતી.
- વર્ષ 1986માં કર્ણાટક સરકારે બેલગાવીને દક્ષિણ કર્ણાટક સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. જેનો મહારાષ્ટ્ર સમર્થક પાર્ટીઓએ વિરોધ કર્યો હતો. કન્નડ અને મરાઠી સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
- 2004 માં મહારાષ્ટ્રે 856 ગામ અને બેલગાવીને મહારાષ્ટ્રમાં સામેલ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કર્ણાટક સરકારે તેનો વિરોધ કર્યો હતો. કહેવામાં આવ્યું કે, રાજકીય રૂપે ઉઠાવવામાં આવેલો મુદ્દો છે. તેને કોર્ટમાં ન લઈ જઈ શકાય.
- વર્ષ 2006માં કર્ણાટક સરકારે બેલગાવીને પોતાની બીજી રાજધાની જાહેર કરી હતી અને ત્યાં વિધાનસભા સત્રનું પણ આયોજન કર્યું હતું. મહારાષ્ટ્ર સમર્થકોએ તેને 'કર્ણાટકની જબરદસ્તી' કહ્યું હતું.
- વર્ષ 2019માં મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, બેલગાવી પર મહારાષ્ટ્રનો હક છે. કર્ણાટક સરકારે આ નિવેદનનો વિરોધ કર્યો હતો.
- વર્ષ 2022માં કર્ણાટક રક્ષક વેદિકા અને શિવસેનાના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન મહારાષ્ટ્રથી કર્ણાટક જતી અનેક ટ્રેનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.