બાળકોને સોશિયલ મીડિયાની 'કૂટેવ' પડી, તેના ઉપયોગ માટે સરકાર વયમર્યાદા નક્કી કરે : કર્ણાટક હાઈકોર્ટ
કોર્ટે આ મામલે એક ધારદાર સવાલ પૂછ્યો કે બાળકો 17 કે 18 વર્ષના હોઈ શકે છે પણ શું તેમનામાં નિર્ણયો લેવાની પરિપક્વતા છે કે દેશના હિતમાં શું (સારું) છે અને શું નથી?
આ મામલે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં હાઈકોર્ટે કહ્યું કે 'બાળકોને વોટિંગ અધિકાર સાથે જ સોશિયલ મીડિયાના ઉપયોગની છૂટ મળે
કર્ણાટક હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ કેસમાં ટિપ્પણી કરતાં કહ્યું કે જો યુવાનો અને ખાસ કરીને સ્કૂલના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો આ દેશ માટે સારું રહેશે. તેની સાથે કોર્ટે એવું પણ સૂચન કર્યું કે જે વયે યુવાઓને વોટ કરવાનો અધિકાર મળે છે ત્યારે જ તેમને સોશિયલ મીડિયાના ઉપયોગની પરવાનગી મળવી જોઈએ. આ વય 18 કે 21 હોઈ શકે છે.
એક્સ કોર્પ (અગાઉ ટ્વિટર) ની અરજી પર કરાઈ સુનાવણી
જસ્ટિસ જી.નરેન્દ્ર અને જસ્ટિસ વિજય કુમાર એ.પાટિલની બેન્ચે એક્સ કોર્પની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન આ ટિપ્પણી કરતાં બેન્ચે કહ્યું કે સ્કૂલ જનારા બાળકોને સોશિયલ મીડિયાની લત લાગી ગઈ છે અને આ દેશ માટે સારું રહેશે કે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે.
બેન્ચે કરી મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
કોર્ટે આ મામલે એક ધારદાર સવાલ પૂછ્યો કે બાળકો 17 કે 18 વર્ષના હોઈ શકે છે પણ શું તેમનામાં નિર્ણયો લેવાની પરિપક્વતા છે કે દેશના હિતમાં શું (સારું) છે અને શું નથી? ન ફક્ત સોશિયલ મીડિયા પરંતુ ઈન્ટરનેટ ઉપરથી એવી દરેક વસ્તુને હટાવી દેવી જોઈએ જે મનમાં ઝેર ભરતી હોય. સરકારે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે એક વયમર્યાદા નક્કી કરવા વિચારવું જોઈએ.