તમે પણ કેન્સરવાળી ચા નથી પીતાં ને! મન્ચુરિયન, પાણી પુરી બાદ હવે ચા-પત્તી સામે તપાસ
Use Of Pesticides And Dyes In Tea Leaves And Powders : ચાના શોખીનો માટે એક ચિંતાજનક બાબત સામે આવી છે. ચા પણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ની તપાસ હેઠળ આવી છે. એફએસએસઆઈએના અધિકારીઓએ પ્રક્રિયા કર્યા બાદ ચાની પત્તી અને પાવડરમાં મોટી સંખ્યામાં જંતુનાશકો અને રંગોનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે.
ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં ઝેરી કલર્સનો ઉપયોગ
વાસ્તવમાં અધિકારીઓને તપાસમાં જાણવા મળ્યું છે કે, ખાણી-પીણીની ચીજવસ્તુઓ બનાવનારાઓ અને વેંચનારાઓ રોડામાઈન-બી અને કાર્મોઈસિન જેવા ફૂડ કલર્સનો ઉપયોગ કરે છે. આ રંગો તદ્દન ઝેરી માનવામાં આવે છે. એફએસએસએઆઈના સૂત્રોના જણાવ્યું કે, ચાની તપાસ કર્યા બાદ તેમાં જંતુનાશકો અને ખાતરો હોવાનું સામે આવ્યું છે. આ વસ્તુઓ કેન્સરનું કારણ બની શકે છે. કર્ણાટકનું આરોગ્ય મંત્રાલય ચાના બગીચામાં ચાનું ઉત્પાદન કરતી વખતે જંતુનાશકોનો ઉપયોગ કરનારાઓ વિરુદ્ધ ટુંક સમયમાં કાર્યવાહી કરવાની છે. આમ કરવાથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડે છે.
ચાના બગીચામાં મોટી સંખ્યામાં જંતુનાશકનો ઉપયોગ
કર્ણાટક આરોગ્ય મંત્રાલયે અત્યાર સુધીમાં ઉત્તર કર્ણાટકના જુદા જુદા જિલ્લાઓમાંથી 48 સેમ્પલો એકત્ર કર્યા છે. અધિકારીઓએ બાગલકોટ, બીદરા, ગાદગ, ધારવાડ, હુબલી, વિજયનગર, કોપ્પલ અને બલ્લારી જેવા જિલ્લાઓમાં તપાસ કરી છે, જેમાં ચામાં મોટી સંખ્યામાં જંતુનાશકનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે.
અમે ટુંક સમયમાં કાર્યવાહી કરીશું : આરોગ્ય મંત્રી
કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડૂ રાવે કહ્યું કે, ‘અમે નબળી ગુણવત્તાની ચા બનાવનારાઓ અથવા ચાનું ઉત્પાદન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છીએ. અમે કબાબ અથવા ગોબી મંચુરિયન પર પ્રતિબંધ નથી લગાવી રહ્યા, પરંતુ અમે તેમાં વપરાતા હાનિકારક પદાર્થો પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. આ જ ચાની પત્તી પર પણ લાગુ પડે છે.’ ઉલ્લેખનીય છે કે, કર્ણાટક સરકારે આ પહેલા રસ્તા પર વેંચાતા ગોબી મંચુરિયન, પાણી પુરી અને કબાબ જેવા ખાદ્ય પદાર્થોમાં આર્ટિફિશિયલ રંગોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ દરમિયાન તપાસમાં સામે આવ્યું હતું કે, તેમાં રોડામાઈન-બી અને કાર્મોઈસિન જેવા કલર્સનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ સરકારે આ કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : ત્રીજી ટી20માં ભારતનો ઝિમ્બાબ્વે સામે વિજય, સુંદર-ગીલનું દમદાર પ્રદર્શન