કોંગ્રેસના કદાવર નેતા અને મુખ્યમંત્રી મોટી મુશ્કેલીમાં! રાજ્યપાલે આ મામલે કેસ ચલાવવા મંજૂરી આપી
MUDA Land Scam: કર્ણાટકમાં મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચાલશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. આ મુડા કેસમાં સીએમ સિદ્ધારમૈયા તેમજ તેમની પત્ની સહિત પરિવારના સભ્યો પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શોભા કરણલાજે કહેવું છે કે, જ્યારથી જમીન મુડા કેસ શરૂ થયો છે ત્યારથી સિદ્ધારમૈયા હંમેશા મહત્ત્વના હોદ્દા પર રહ્યા છે, તેમના પરિવાર પર આ કેસમાં લાભાર્થી હોવાનો આરોપ છે. આવી સ્થિતિમાં, તે શક્ય નથી કે આમાં તેની ભૂમિકા ન હોય.
આ પણ વાંચો: સંસદની સુરક્ષામાં ફરી ચૂક, દીવાલ કૂદી પરિસરમાં ઘૂસ્યો અલીગઢનો યુવક, CISFએ પકડી પાડ્યો
શું છે MUDA કેસ
મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA)નું કામ મૈસૂરમાં શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને લોકોને પોસાય તેવા ભાવે આવાસ પૂરા પાડવાનું છે. વર્ષ 2009માં મુડાએ શહેરી વિકાસને કારણે જમીન ગુમાવનારા લોકો માટે 50:50ની યોજના જાહેર કરી હતી. આ યોજના હેઠળ જે લોકોની જમીન સંપાદિત કરવામાં આવશે તેમને મુડા દ્વારા વિકસિત જમીનના 50 ટકા પ્લોટ ફાળવવામાં આવશે. જો કે વર્ષ વર્ષ 2020માં તત્કાલીન ભાજપ સરકારે આ યોજના બંધ કરી દીધી હતી. જો કે, યોજના બંધ થયા પછી પણ, મુડાએ 50:50 યોજના ચાલુ રાખી અને તે હેઠળ જમીનો સંપાદન અને ફાળવવાનું ચાલુ રાખ્યું.
એવો આરોપ છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાસે મૈસૂરના કેસારે ગામમાં 3 એકર અને 16 ગુંટા જમીન હતી, જે તેમના ભાઈ મલ્લિકાર્જુને પાર્વતીને ભેટમાં આપી હતી. પાર્વતીની જમીન મુડા દ્વારા વર્ષ 2021માં હસ્તગત કરવામાં આવી હતી. બદલામાં પાર્વતીને મોંઘા વિસ્તારમાં 14 જગ્યાઓ ફાળવવામાં આવી હતી. એવો આરોપ છે કે મુડાએ આ જમીન સંપાદિત કર્યા વિના દેવનુર ત્રીજા તબક્કાની યોજના વિકસાવી હતી.