કોંગ્રેસના કદાવર મુખ્યમંત્રીની ખુરશી પર ખતરો? આજે રાજ્યપાલ કરી શકે છે મોટો નિર્ણય, જાણો મામલો
Image Source: Twitter
Governor Thawar Chand Gehlot on CM Siddaramaiah: કોંગ્રેસના કદાવર નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ખુરશી પર ખતરો મંડરાઈ રહ્યો છે. સી. એમ. સિદ્ધારમૈયા અંગે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત આજે એક મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય મુખ્યમંત્રી સામે ભ્રષ્ટાચારના આરોપમાં કેસ ચલાવવા સંબંધિત છે. એક્ટિવિસ્ટ ટીજે અબ્રાહમે રાજ્યપાલને વિનંતી કરી છે કે, સિદ્ધારમૈયા સામે ભ્રષ્ટાચાર અંગે કેસ ચલાવવામાં આવે. બીજી તરફ મંત્રી પરિષદે રાજ્યપાલને અપીલ કરી છે કે આવું ન કરવામાં આવે. વિપક્ષ ભાજપ અને JDS પણ આ કેસ ચલાવવા માટે દબાણ બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુડામાં મુખ્યમંત્રી સામે ભ્રષ્ટાચારની ફરિયાદો ઊઠી છે. આરોપ છે કે, મુખ્યમંત્રીએ મૈસુરના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે 14 પ્લોટ હાંસલ કર્યા છે.
મુખ્યમંત્રી અને તેમની પાર્ટી કાનૂની લડાઈ લડવાના મૂડમાં
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહીની માંગને લઈને વિપક્ષે મૈસૂર અને બેંગલુરુ વચ્ચે એક સપ્તાહ માટે પદયાત્રા શરૂ કરી છે. બીજી તરફ ભાજપના વિરોધ પ્રદર્શનથી લોકોનું ધ્યાન હટાવવા માટે કોંગ્રેસ છ દિવસની રેલી કરી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ આ અંગે રાજ્યપાલ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યપાલ ભાજપના હાથનું રમકડું બનીને રહી ગયા છે. સિદ્ધારમૈયાએ એ પણ આરોપ લગાવ્યો કે, રાજ્યપાલ ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી અને તેમની પાર્ટી આ મામલે કાનૂની લડાઈ લડવાના મૂડમાં છે. એક અહેવાલ પ્રમાણે આ કેસથી પરિચિત લોકોએ આ જાણકારી આપી છે.
રામનગર જિલ્લામાં JDSની મજબૂત પકડ
ભાજપ-JDSની યાત્રાના બીજા દિવસે પણ નેતાઓ એ મુખ્યમંત્રી પર પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ નેતાઓ એ પોતાની રેલી દરમિયાન JDSના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી એચ ડી કુમારસ્વામી પર પ્રહાર કર્યા હતા. રામનગર જિલ્લામાં JDSની મજબૂત પકડ છે. લોકસભામાં ચૂંટાયા તે પહેલાં કુમારસ્વામી ચન્નાપટના વિધાનસભા મત વિસ્તારના પ્રતિનિધિ હતા. કુમારસ્વામીએ રવિવારે ભાજપ અને JDS કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ સાથે જ તેમને એમ પણ કહ્યું કે હું કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ કરવા માટે ભાજપ સાથે કામ કરતો રહીશ અને એનડીએને સત્તામાં લાવીશું.