ટેટૂથી બીમારીનો ખતરો! શાહીમાં 22 ખતરનાક મટિરિયલ હોવાનો દાવો: કર્ણાટકમાં કડક નિયમો બનાવશે સરકાર
Strict Rules on Tattoo Parlors: બેંગ્લોરમાં ટેટૂનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. લોકો વિવિધ ડિઝાઇન અને સ્ટાઈલમાં ટેટૂ કરાવતા હોય છે. કેટલાક લોકો ટેટૂના એ હદે ક્રેઝી હોય છે કે એમના શરીર પર સ્કિન કરતા તો ટેટૂ વધુ દેખાતું હોય. પરંતુ આ શોખ તેમના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે. આ મામલે કર્ણાટક સરકાર પણ ટેટૂ પ્રેમીઓને નવો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે.
કર્ણાટક સરકાર નવો કાયદો લાવવાની યોજના બનાવી રહી છે
કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ટેટૂ પાર્લરો માટે નવા અને કડક નિયમો લાદવાનું આયોજન કરી રહી છે. આ માટે રાજ્ય સરકાર પણ કેન્દ્ર પાસેથી હસ્તક્ષેપ માંગશે જેથી ટેટૂ પ્રક્રિયા માટે યોગ્ય માર્ગદર્શિકા સ્થાપિત કરી શકાય.
ટેટૂ ગંભીર રોગોનું જોખમ વધારે છે
ટેટૂને કારણે ફેલાતી બીમારીઓને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકાર કડક પગલાં લેવા જઈ રહી છે. આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે રોડસાઇડ ટેટૂ પાર્લર કોઈપણ નિયમ-કાનૂન વગર ચાલી રહ્યા છે, જ્યાં સ્વચ્છતાનું બિલકુલ ધ્યાન રાખવામાં આવતું નથી. આવા ટેટૂ પાર્લરથી એચઆઈવી, ચામડીનું કેન્સર અને અન્ય ઘણા ચેપનો ફેલાવો થઈ શકે છે. તેથી, સરકાર એક નવો કાયદો લાવવાની યોજના બનાવી રહી છે.
આ પણ વાંચો: ઉત્તરાખંડ હિમસ્ખલન: ચાર શ્રમિકોના મોત, પાંચ હજુ ગુમ, 46નું રેસ્ક્યૂ કરાયું
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ટેટૂની શાહીમાં 22 પ્રકારના ખતરનાક કેમિકલ હોય છે જે કેન્સરનું કારણ બની શકે છે. ટેટૂ કરાવવાથી સ્કિન કેન્સર, એચઆઈવી, હેપેટાઈટીસ બી, હેપેટાઈટીસ સી અને સ્ટેફાયલોકોકસ ઓરીયસ જેવા જીવલેણ રોગોનું જોખમ છે. ટેટૂની શાહીના કેમિકલ ધીમે ધીમે શરીરની અંદર ઓગળવા લાગે છે જેના કારણે ગંભીર સ્વાસ્થ્યની સમસ્યાઓ સર્જાય છે.