કર્ણાટકમાં વૃદ્ધો-દર્દીઓને માસ્ક ફરજિયાત? કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતા જ નવી ગાઈડલાઈન જાહેર

કેરળમાં કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1 આવ્યો સામે

આ બાબતે કર્નાટક સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી, હોસ્પિટલોમાં એલર્ટ

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
કર્ણાટકમાં વૃદ્ધો-દર્દીઓને માસ્ક ફરજિયાત? કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતા જ નવી ગાઈડલાઈન જાહેર 1 - image


Karnataka Covid New Variant Alert: દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1 બાબતે એલર્ટ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે 18 ડિસેમ્બરે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં તેમણે વૃદ્ધો-દર્દીઓને માસ્ક પહેરવાની સલાહ આપી છે. તેમણે હોસ્પિટલોને પણ એલર્ટ રહેવા કહ્યું છે તેમજ સ્વાસ્થ્ય વિભાગને સ્થિતિ પર નજર રાખવા કહ્યું છે. 

60 વર્ષથી વધુ વયના લોકોને ખાસ કાળજી લેવી

ગાઈડલાઈનમાં વૃદ્ધોને ખાસ સતર્ક રહેવા કહ્યું છે. એક બેઠકમાં શું પગલાઓ લેવા જોઈએ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું હતું કે જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે અને જેમને હૃદય રોગની સમસ્યા છે કે અન્ય કોઈ ગંભીર બીમારી છે તો તેમણે માસ્ક પહેરવું ફરજીયાત છે. આ ઉપરાંત હોસ્પિટલોને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત કેરળ સાથે જે રાજ્યો સીમા ધરાવે છે તેમને પણ ખાસ સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને મેંગલોર, ચમનજનગર અને કોડાગુને પણ એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. 

સંક્રમણ પર કાબુ મેળવવા માટે સામુહિક તપાસ 

તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સંક્રમણને કાબૂમાં લેવા ફરી એકવાર સામૂહિક ટેસ્ટ શરૂ કરવામાં આવશે. તેમજ જેમને શ્વાસની તકલીફ છે તેમણે ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. હાલના સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર સમગ્ર દેશમાં 1800થી વધુ કોવિડ કેસમાં 1600થી વધુ કેસ કેરળમાંથી સામે આવ્યા છે. કેરળમાં કોવિડના કારણે 4 લોકોનું મૃત્યુ થતા કર્ણાટકે સાવચેતી રાખવાનું શરુ કર્યું છે.

કેરળમાં કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1 વિષે જાણકારી મળી છે. 8 ડિસેમ્બરે તિરુવનંતપુરમના કારાકુલમથી RTPCR પોઝીટીવ સેમ્પલ દ્વારા સબવેરિયન્ટની જાણકારી મળી હતી. તેમજ શનિવારે બે લોકો મૃત્યુ પામતા લોકોમાં ફરી કોરોનાને લઈને ડર જોવા મળી રહ્યો છે. 

કર્ણાટકમાં વૃદ્ધો-દર્દીઓને માસ્ક ફરજિયાત? કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતા જ નવી ગાઈડલાઈન જાહેર 2 - image


Google NewsGoogle News