કર્ણાટક : પૂર્વમુખ્યમંત્રી જગદીશ શેટ્ટર કોંગ્રેસ છોડી મૂળ પક્ષ ભાજપમાં જોડાયા
- શેટ્ટરે કહ્યું : 'મારે તો, ભાજપ સાથે ઘણાં વર્ષોનો સંબંધ છે, મારા ઘણા મિત્રો મને મૂળ પક્ષમાં પાછા ફરવા કહેતા હતાં'
બેંગલુરૂ : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર, ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. ગત વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓએ આ પક્ષ પલ્ટો કર્યો હતો, પરંતુ આજે ગુરૂવારે તેઓ ફરી પાછા તેઓના મૂળ-પક્ષમાં (ભાજપમાં) જોડાયા છે. તેઓના આ નિર્ણય વિષે સ્પષ્ટતા કરતાં શેટ્ટરે કહ્યું : 'મારે તો ભાજપ સાથે ઘણાં વર્ષોનો સંબંધ છે અને મારા ઘણા મિત્રો તથા શુભેચ્છકો મને ફરી પાછા મારા મૂળપક્ષમાં જોડાવા આગ્રહ કરી રહ્યા હતા.'
તેઓ જ્યોતિષમાં પણ માને છે તેથી આજે સવારે શુભમુહૂર્તમાં રાજ્ય પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદીપુરપ્પા કેન્દ્રના મંત્રીઓ ભૂપેન્દર યાદવ, અને રાજીવ ચંદ્રશેખર તથા કર્ણાટક પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ વિજયેન્દ્ર તથા કર્ણાટક ભાજપના મીડીયા હેડ અનિલ બાલુનીની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.
પક્ષનાં સાધનો જણાવે છે કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી સમયે તેઓને ટિકીટ ન અપાતાં શેટ્ટર ગુસ્સે થઇ પક્ષ છોડી ગયા હતા. પરંતુ આજે ફરીથી ભાજપમાં જોડાયા છે. આ પૂર્વે તેઓ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાને દિલ્હીમાં મળ્યા હતા. તેઓએ શેટ્ટરને ભાજપમાં ફરી જોડાવા સમજાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જગદીશ શેટ્ટર ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા જે પગલું તેઓએ રાજ્ય વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભર્યું હતું. પછી કોંગ્રેસની ટિકીટ ઉપર તેઓ વિધાનસભાની ચૂંટણી લડયા હતા, પરંતુ તેમાં નિષ્ફળ રહ્યા. પરાજિત થયા.
આ પછી કોંગ્રેસે તેઓને રાજ્ય વિધાન પરિષદના સભ્ય પદે ચૂંટાવી કાઢ્યા. પરંતુ હવે ભાજપમાં તેઓ જોડાયા તેથી તેઓએ વિધાન પરિષદનું સભ્યપદ પણ છોડી દીધું છે.
ભાજપમાં જોડાતા સમયે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ભારત, તેઓનાં નેતૃત્વ નીચે પ્રબળ બન્યું છે.