‘સ્ટાર ચંદુ’ નામથી પ્રખ્યાત કોંગ્રેસના એ ઉમેદવાર જેમની પાસે છે 633 કરોડની સંપત્તિ, પૂર્વ CMને આપશે ટક્કર
Lok Sabha Elections 2024 : દેશમાં લોકસભા ચૂંટણી નજીક આવી ગઈ છે, વિવિધ પક્ષોએ મોટાભાગના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. ઘણી બેઠકો પર ઉમેદવારનું નામ જાહેર થયા બાદ તે બેઠક ખૂબ જ ચર્ચાસ્પદ બની ગઈ છે, ત્યારે આવી સ્થિતિ કર્ણાટકની માંડ્યા લોકસભા બેઠક પર જોવા મળી છે. અહીં કોંગ્રેસે કરોડપતિ ઉમેદવાર વેંકટરમણ ગૌડા (Venkataramane Gowda Wealth)ને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગૌડા અને તેમની પત્ની કુસુમે ચૂંટણી એફિડેવીટમાં 622.96 કરોડની સંપત્તિ જાહેર કરી છે.
પતિ કરતા પત્ની પાસે વધુ સંપત્તિ
ગૌડા રાજ્યમાં ‘સ્ટાર ચંદૂ’ના નામથી જાણીતા છે. ઉમેદવારીપત્ર ભરવા આવેલા ગૌડ અને તેમની પત્નીની એફિડેવિટ મુજબ, ગૌડાથી વધુ પત્ની પાસે સંપત્તિ છે. બીજીતરફ NDAએ જનતાદળ (સેક્યુલર)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી (H D Kumaraswamy)ને માંડ્યા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
ગૌડાની પત્નીનું SIPLમાં 176.44 કરોડનું રોકાણ
ગૌડાની અંગત સંપત્તિ રૂ.267.05 કરોડ છે અને હિન્દુ અવિભાજિત પરિવાર હેઠળ વારસામાં મળેલી સંપત્તિ રૂ.26.59 કરોડ છે. આમ તેમની પાસે કુલ 293.64 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એફિડેવિટ મુજબ ગૌડાની પત્નીએ સ્ટાર ઈન્ફ્રાટેક પ્રાઈવેટ લિમિટેડ (Star Infratech Private Limited)માં 176.44 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સાથે તેમની પાસે કુલ 329.32 કરોડ રૂપિયાની સંપત્તિ છે.