આંતરિક મતભેદના કારણે 6-7 મહિનામાં પડી જશે કર્ણાટકની કોંગ્રેસ સરકાર... ભાજપ ધારાસભ્યનો દાવો
કર્ણાટકમાં ભાજપ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવશે : ભાજપ ધારાસભ્ય
રાજ્યની કોંગ્રેસ સરકારમાં આંતરિક મતભેદ ચાલતા હોવાનો પણ દાવો
બેંગલુરુ, તા.14 ઓગસ્ટ-2023, સોમવાર
કર્ણાટકના ભાજપના ધારાસભ્ય બસનગૌડા પાટીલ યતનાલે કોંગ્રેસની સરકારને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસની સરકાર 6-7 મહિનામાં પડી જશે. આંતરિક મતભેદના કારણે કોંગ્રેસ પતન થશે. તેમણે કહ્યું કે, ભાજપ રાજ્યમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવશે.
શિવકુમાર સામેના ભ્રષ્ટાચાર આરોપો અંગે ભાજપ રાજ્યપાલને મળશે
મળથી માહિતી મુજબ કર્ણાટકમાં ભાજપ એકમે કોંગ્રેસના નેતા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર સામેના ભ્રષ્ટાચારના આરોપોને ખુલ્લા પાડવા 17 ઓગસ્ટે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળવાનું નક્કી કર્યું છે. અગાઉ ભાજપે દાવો કર્યો હતો કે, કર્ણાટક સરકાર ભ્રષ્ટાચારમાં સામેલ છે અને કોન્ટ્રાક્ટરો પાસેથી 55 ટકા કમિશન માંગી રહી છે. બીજાપુર જિલ્લામાં એક રેલી દરમિયાન ધારાસભ્યએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક મતભેદ વધી રહ્યો છે, જેના કારણે મતવિસ્તારો માટે ભંડોળની અછત સર્જાઈ છે. સરકારે ધારાસભ્યોને ધીરજ રાખવા અને ગુસ્સો ટાળવા વિનંતી કરી છે.
‘કર્ણાટક કોંગ્રેસ સરકાર ડિસેમ્બરના અંત સુધીમાં પડી જશે’
દરમિયાન ભાજપના વિધાન પરિષદના સભ્ય રવિકુમારે જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. જો કે સરકાર પડી શકે કે કેમ, તે અંગે અનિશ્ચિતતા છે. આપણે રાહ જોવી જોઈએ અને જોવું જોઈએ... જૂનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલે પણ કહ્યું હતું કે, કર્ણાટકમાં સત્તારૂઢ કોંગ્રેસ આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં પડી જશે. તેમની આ ટિપ્પણી કોંગ્રેસ પક્ષના રાજ્ય એકમની અંદર મુખ્યમંત્રી પદ અંગે ચાલી રહેલા સત્તા ઘર્ષણ વચ્ચે સામે આવી છે.