‘ભાજપે કોંગ્રેસના 50 ધારાસભ્યોને 50-50 કરોડની ઑફર આપી’ CM સિદ્ધારમૈયાનો આક્ષેપ
Karnataka CM Siddaramaiah Attack On BJP : ભાજપે કર્ણાટકમાં સરકાર પાડવા કોંગ્રેસના 50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઑફર કરી હોવાનો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરવાની સાથે એમ પણ કહ્યું કે, ‘અમારા કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપની ઑફરનો અસ્વિકાર કર્યો છે. અમારા ધારાસભ્યોએ ઑફરનો અસ્વિકાર કરતા ભાજપ તેમના વિરુદ્ધ ખોટા કેસ નોંધાવી રહી છે.’
સિદ્ધારમૈયાની સરકાર પાડવાનો ભાજપનો પ્રયાસ ?
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારે (13 નવેમ્બર) મૈસુર જિલ્લાના ટી.નરસીપુરા વિધાનસભા વિસ્તારમાં 470 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટોનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મીડિયાના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું કે, ‘ભાજપે સિદ્ધારમૈયાની સરકાર પાડવા માટે કોંગ્રેસના 50 ધારાસભ્યોને 50 કરોડ રૂપિયાની ઑફર આપી, તેમની પાસે આટલા બધા નાણાં ક્યાંથી આવ્યા? શું પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા, બસવરાજ બોમ્મઈ, વિપક્ષના નેતા આર.અશોક, ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.વાઈ.વિજયેન્દ્રએ નોટો છાપી ?
ભાજપ અમારા ધારાસભ્યો સામે ખોટા કેસ નોંધાવી રહ્યુ છે : સિદ્ધારમૈયા
તેમણે વધુમાં કહ્યું કે, ‘આ બધા લાંચના નાણાં હતાં, ભાજપે આ પૈસાનો ઉપયોગ કરીને ધારાસભ્યોને 50 કરોડ રૂપિયાની ઑફર કરી છે. જોકે ઑફર માટે અમારા કોઈપણ ધારાસભ્ય સહમત થયા નથી. તેથી જ ધારાસભ્યોને હટાવવા માટે ભાજપે અભિયાન શરૂ કર્યું છે અને તેઓ ખોટા કેસ કરી અમારા ધારાસભ્યોને પરેશાન કરી રહ્યા છે.
આ પણ વાંચો : હવે પગભર થાઓ... શરદ પવારની તસવીરના ઉપયોગ બદલ સુપ્રીમ કોર્ટે કરી અજિત પવારની ઝાટકણી