મારી લવ સ્ટોરી અધૂરી રહી ગઈ કેમ કે...' 77 વર્ષના મુખ્યમંત્રીએ કોલેજના દિવસો યાદ કર્યા
Image Source: Twitter
Karnataka CM Siddaramaiah: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરુવારે રાત્રે મૈસૂરના એક કાર્યક્રમમાં સમાજમાં જ્ઞાતિવાદના કારણે પોતાની અસફળ 'પ્રેમ કહાની'ને યાદ કરતા જનતા સામે ખુલીને વાત કરી હતી. 'બુદ્ધ પૂર્ણિમા'ના અવસર પર આંતરજ્ઞાતિય લગ્ન પર એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના કોલેજના દિવસો યાદ કરતા જૂના કિસ્સા સંભળાવ્યા હતા. તેમણે કહ્યું કે, હું આંતરજ્ઞાતિય લગ્ન કરવા માગતો હતો પરંતુ એવું ન થયું. છોકરીએ ઈનકાર કરી દીધો.
સીએમએ આગળ જણાવ્યું કે, જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. મનો ખોટો ન સમજશો. મેં તે છોકરી સાથે લગ્ન કરવા વિચાર્યું હતું પરંતુ છોકરીનો પરિવાર અને છોકરી પણ સહમત નહોતી. એટલા માટે લગ્ન ન થયા. એવી સ્થિતિ સામે આવી કે, મારે પોતાની જાતિની છોકરી સાથે જ લગ્ન કરવા પડ્યા. મારા લગ્ન મારી જ જ્ઞાતિમાં થયા.
આંતરજ્ઞાતિય લગ્નને પોતાનું સંપૂર્ણ સમર્થન અને સહયોગ આપતા સિદ્ધારમૈયાએ વચન આપ્યું કે, મારી સરકાર આંતરજ્ઞાતિય લગ્ન માટે તમામ સહાયતા પૂરી પાડશે. તેમણે આ તથ્ય પર અફસોસ વ્યક્ત કર્યો કે, સમાનતા આધારિત સમાજ બનાવવાના અનેક સમાજ સુધારકોના પ્રયત્નો હજું સુધી પરિણામ નથી લાવ્યા શક્યા.
તેમણે કહ્યું કે, જ્ઞાતિવાદના સામાજિક દુષણને નાબૂદ કરવાના બે જ રસ્તા છે. એક છે આંતરજ્ઞાતિય લગ્ન અને બીજુ તમામ સમુદાયો વચ્ચે સામાજિક-આર્થિક સશક્તિકરણ. સિદ્ધારમૈયાએ કહ્યું કે, સામાજિક-આર્થિક ઉત્થાન વિના કોઈ પણ સમાજમાં સામાજિક સમાનતા ન હોઈ શકે.