કર્ણાટકમાં હવે માત્ર કન્નડ લોકોને જ મળશે નોકરી, કોંગ્રેસ સરકારની 100% અનામતની જાહેરાત

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
કર્ણાટકમાં હવે માત્ર કન્નડ લોકોને જ મળશે નોકરી, કોંગ્રેસ સરકારની 100% અનામતની જાહેરાત 1 - image


Image:Twitter 

કર્ણાટકની કોંગ્રેસ સરકાર વધુ એક વખત વિવાદોમાં સપડાઈ છે. રાજ્યની સિદ્ધારમૈયાની સરકારે મુસ્લિમ સમુદાયને OBCમાં સમાવ્યા બાદ હવે દેશના આઈટી હબ કહેવાતા બેંગ્લોર સહિત સમગ્ર રાજ્ય માટે એક નવો ચિત્ર-વિચિત્ર કાયદો ઘડી દીધો છે. કર્ણાટકમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો કામ કરે છે અને ખાસ કરીને દેશનું આઈટી હબ બેંગ્લોર પણ આ રાજ્યમાં જ છે. મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાના નેજા હેઠળની કર્ણાટક કેબિનેટે ખાનગી ક્ષેત્રમાં કન્નડ લોકો માટે 100 ટકા આરક્ષણ ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપી છે.

સોમવારે મળેલી રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણય અનુસાર ગ્રુપ C અને D કેટેગરીની નોકરીઓમાં 100 ટકા પોસ્ટ કન્ન્ડ લોકો માટે અનામત રાખવામાં આવશે. આ સિવાય ખાનગી કંપનીઓને મેનેજમેન્ટ લેવલની 50 ટકા પોસ્ટ રિઝર્વ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત નોન-મેનેજમેન્ટ પોસ્ટની 75 ટકા બેઠકો સ્થાનિક લોકો માટે અનામત હશે.

સિદ્ધારમૈયાએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે, "કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ ખાનગી ઉદ્યોગોમાં 'C અને D' ગ્રેડની પોસ્ટ માટે 100 ટકા કન્નડ લોકોની ભરતી ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપવામાં આવી છે. અમારી સરકારની ઈચ્છા છે કે કન્નડ ભૂમિમાં કન્નડ લોકો નોકરીઓથી વંચિત ન રહે અને તેમને માતૃભૂમિમાં આરામદાયક જીવન જીવવાની તક મળે તે હેતુસર નિર્ણય લેવામાં આવ્યો છે."

સિદ્ધારમૈયાએ તેમની સરકારને કન્નડ તરફી ગણાવી હતી અને કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા કન્નડ લોકો છે અને કન્નડ સંસ્કૃતિના કલ્યાણની સંભાળ રાખવાની છે. 

કોણ કન્નડ કહેવાશે ?

સરકારે પારિત કરેલ આ બિલ સ્થાનિક ઉમેદવારને એવી વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરે છે જેનો જન્મ કર્ણાટકમાં થયો હોય, 15 વર્ષથી વધુ સમયથી રહેતો હોય અને તેઓ કન્નડ બોલતા, વાંચી અને લખી શકતા હોય. આવા ઉમેદવારો પાસે કન્નડ ભાષા સાથેનું માધ્યમિક શાળા પ્રમાણપત્ર હોવું ફરજિયાત રહેશે. જો આ સર્ટિફિકેટ ન હોય તો સરકાર દ્વારા સૂચિત નોડલ એજન્સી દ્વારા આયોજિત કન્નડ ભાષા માટેની પ્રોફિશિયન્સી ટેસ્ટ પાસ કરવી પડશે.

જો પૂરતી સંખ્યામાં સ્થાનિક ઉમેદવારો હજુ પણ ઉપલબ્ધ ન થાય તો કંપનીઓ છૂટ માટે અરજી કરી શકે છે. જોકે બિલમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે મેનેજમેન્ટ કેટેગરી માટે 25 ટકા અને નોન-મેનેજમેન્ટ કેટેગરી માટે 50 ટકાથી ઓછી છૂટછાટ નહિ અપાય. લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારો અનુપલબ્ધ હોય તેવા કિસ્સામાં, ઉદ્યોગો/કારખાનાઓએ ત્રણ વર્ષની અંદર સ્થાનિક પ્રતિભાઓને તાલીમ આપવા અને નોકરી સંલગ્ન કરવા માટે સરકારી એજન્સીઓ સાથે સહયોગ કરવો જરૂરી રહેશે. એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડીડેટ્સ એક્ટનું પાલન ન કરવા બદલ રૂ. 10,000થી રૂ. 25,000 સુધીનો દંડ લાદવામાં આવી શકે છે.

ડીલિટ કરી પોસ્ટ :

જોકે આ મામલો સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે પણ ભારે અરાજકતા ફેલાવી રહ્યો છે. ઈન્ડસ્ટ્રી સહિત અનેક લોકોએ સિદ્ધારમૈયા સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને અંતે આ રાજ્ય માટે જ નુકશાનકારક પગલું ગણાવ્યું છે. ભારે વિરોધને પગલે સરકારને આ અંગે ફેરવિચારણા માટે મજબૂર કરી હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને તેથી જ સિદ્ધારમૈયાએ પોતાની ટ્વિટર પર કરેલી પોસ્ટ હવે ડીલિટ કરી છે.

આ પણ વાંચો: કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, તમામ મુસ્લિમોને OBCમાં કર્યા સામેલ, નોકરીમાં મળશે અનામત


Google NewsGoogle News