BJPના 40 હજાર કરોડના કૌભાંડનો પર્દાફાશ કરીશ: ભાજપના ધારાસભ્યની ખુલ્લી ચેતવણી
Image: Twitter
-કર્ણાટકની ભાજપ સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો
નવી દિલ્હી,તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર
એક બાદ એક રાજ્યમાં ભાજપમાં બળવાખોરી ચરમસીમાએ પહોંચી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભાજપના નેતાઓમાં અસંતોષની લાગણી વધુ જ ઉભરી રહી છે. આ સમયમાં ભાજપના જ એક ધારાસભ્યએ કહ્યું છે કે જો મને છંછેડશો તો બીજેપીની સરકારના કૌભાંડનો પર્દાફાશ કરી દઈશ. આ મુદ્દો એકાએક ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે કારણકે બીજેપીનો જ ધારાસભ્ય નેતૃત્વની સામે બાંયો ચઢાવીને કહી રહ્યો છે કે જો મને પાર્ટીમાંથી કાઢવામાં આવશે તો બીજેપી સરકારે કરેલા રૂ. 40,000 કરોડના ભ્રષ્ટાચારના પડદા ખોલી દઈશ.
અસંતુષ્ટ વિજયપુરાના બીજેપી ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલે ફરીથી કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા પર પ્રહારો કર્યા અને તેમના પર રાજ્યમાં કોવિડ-19 મેનેજમેન્ટમાં રૂ. 40,000 કરોડના મોટા ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. યતનાલે કહ્યું, “કર્ણાટકની ભાજપ સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો છે. તેઓ મને નોટિસ આપશે અને મને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ કરશે હું તેમને ખુલ્લા પાડીશ.'' યત્નાલે યેદિયુરપ્પા અને તેમના પરિવાર સામે, ખાસ કરીને તેમના બીજા પુત્ર બી.વાય વિજયેન્દ્ર વિરૂદ્ધ શાબ્દિક હુમલો શરૂ કર્યો છે.
ધારાસભ્યએ કહ્યું કે, “એક માસ્ક જેની કિંમત 45 રૂપિયા છે, યેદિયુરપ્પા તમને યાદ છે કોવિડ દરમિયાન તમારી સરકારે તેના પર કેટલો ખર્ચ કર્યો હતો ? સરકારે દરેક માસ્ક 485 રૂપિયાની કિંમતે ખરીદ્યા હતા.” ભાજપના ધારાસભ્યએ વિજયપુરામાં કહ્યું કે, “ભાજપ સરકારે બેંગલુરુમાં 10,000 બેડની વ્યવસ્થા કરી છે. આ બેડ ભાડે લેવામાં આવ્યા હતા અને રોજનું રૂ.20,000 ભાડું સરકાર દ્વારા ચૂકવાતું હતુ. સીધી વાત છે જો આ બેડ નવા ખરીદવામાં આવ્યા હોતને તો આ એક બેડની ભાડાની કિંમતમાં જ સેલાઈન સ્ટેન્ડવાળા બે બેડ ખરીદી શકાયા હોત.”
ભ્રષ્ટાચારના કોઈ પુરાવા છે ?
કથિત આરોપો અંગેના દસ્તાવેજો જાહેર કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે યતનાલે કહ્યું કે, દસ્તાવેજો જાહેર હિસાબ સમિતિ પાસે ઉપલબ્ધ છે. તેમણે પત્રકારોને કાયદા અને સંસદીય બાબતોના પ્રધાન એચકે પાટીલ સાથે વાત કરવા કહ્યું, જેઓ ભાજપના શાસન દરમિયાન અધ્યક્ષ હતા. વિજયપુરાના ધારાસભ્યએ કહ્યું કે, તેમને જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ બનાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે કહ્યું કે, તેઓ આ બધું જાહેર કરી દેશે એટલેજ તેમની નિમણૂક કરવામાં આવી નથી.
યતનાલે દાવો કર્યો હતો કે, કોરોના મહામારી દરમિયાન 40,000 કરોડ રૂપિયાની ગેરરીતિઓ થઈ હતી. ભાજપ સરકાર દરમિયાન દરેક દર્દી માટે 8 લાખથી 10 લાખ રૂપિયાનું બિલ બનાવવામાં આવ્યું હતું. હું જ્યારે એક ખાનગી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ થયો તો પણ મારૂં બિલ 5.8 લાખ રૂપિયા આવ્યું હતું. હું સરકાર તરફથી મેડિકલ ક્લેમ મેળવવા માટે હકદાર છું છતા પણ મેં મારા પોતાના ખિસ્સામાંથી ચૂકવણી કરવાનું પસંદ કર્યું હતુ.
કોંગ્રેસે કહ્યું ‘જો અમે કીધું હતુ ને....’
યતનાલના આ નિવેદન પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આક્ષેપ કર્યા કે યેદિયુરપ્પા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે થયેલી અનિયમિતતાઓ અંગે યતનાલના આરોપો આ સમગ્ર કૌભાંડમાં અમારા દ્વારા તે સમયે લગાવવામાં આવેલા આરોપોના પુરાવા છે. કોંગ્રેસે રાજ્યની તે સમયની ભાજપ શાસિત સરકારને 40 ટકા કમિશનની સરકાર કહી હતી.
તેમણે કહ્યું કે, કોંગ્રેસે વિપક્ષમાં રહીને પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને દસ્તાવેજો રજૂ કર્યા હતા જેમાં આરોપ લગાવ્યો હતો કે, યેદિયુરપ્પા સરકારે કોરોના મહામારીની સારવાર અને નિયંત્રણના નામે લગભગ 4000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. જોકે, યતનાલના આરોપ પરથી લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ જે અંદાજ લગાવ્યો હતો તેના કરતા દસ ગણો વધુ ભ્રષ્ટાચાર થયો હતો.