ભાજપના ધારાસભ્યની ધરપકડ, કોન્ટ્રાક્ટરોને ધમકાવવા અને દલિતોનું અપમાન કરવાનો આરોપ
Karnataka BJP MLA Arrest: કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય મુનીરત્નાની શનિવારે કોલારમાં કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપવા અને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મુનીરત્ના બેંગલુરુના રાજરાજેશ્વરી નગરથી ધારાસભ્ય છે. કોન્ટ્રાક્ટર ચેલવરાજુ દ્વારા તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાએ તેમને હેરાન કર્યા અને ધમકી આપી.
બે અલગ-અલગ એફઆઈઆર નોંધાઈ
ધારાસભ્ય મુનીરત્ના સામે બે કેસ નોંધાયા છે. પ્રથમ કેસમાં મુનીરત્ના અને તેમના ચાર સહયોગીઓનો આરોપી બનાવાયા છે જેમાં તેમના સહાયક વીજી કુમાર, તેમના સુરક્ષા અધિકારી અભિષેક અને વસંત કુમારનો પણ સમાવેશ થાય છે. આરોપ છે કે બધાએ કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે બીજા કેસમાં મુનીરત્ના પર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરીને અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 'નીતિશ કગરવા લાગ્યા અને માફી...' RJDના દાવા બાદ રાજકારણ ગરમાયું, JDUએ પુરાવો માગ્યો
કોન્ટ્રાક્ટરે ઓડિયો ક્લિપ બહાર પાડી
દરમિયાન કોન્ટ્રાક્ટર ચેલવરાજુએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક ઓડિયો ક્લિપ જાહેર કરી, જેમાં તેણે દાવો કર્યો કે મુનીરત્નાએ તેની પાસે લાંચ માગી હતી. અહેવાલ અનુસાર કર્ણાટક ભાજપે મુનીરત્નાને શૉ કૉઝ નોટિસ ફટકારીને પાંચ દિવસમાં આરોપો પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે.
કોંગ્રેસના આકરા પ્રહાર
દરમિયાન દલિત સંઘર્ષ સમિતિ (DSS) એ બેંગલુરુમાં મુનીરત્નાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી હતી. પોલીસે મુનીરત્નાના ઘર અને તેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. બેરીકેટ્સ ગોઠવી દેવાયા છે. મુનીરત્ના પર 'નીચલી કક્ષાની ભાષા'નો ઉપયોગ કરવાનો આરોપ લગાવતાકોંગ્રેસના પૂર્વ સાંસદ ડીકે સુરેશે ભાજપને અપીલ કરી કે તે મુનીરત્નાને પાર્ટીમાંથી હાંકી કાઢે કારણ કે તેમણે 'દલિતોનું અપમાન' કર્યું છે. ડીકે સુરેશે કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ આનો જવાબ આપવો જોઈએ.