VIDEO: બેંગલુરુમાં સાત માળની બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આગ લાગી, 20 શ્રમિકો ફસાયા, એકનું મોત
Bengaluru Heavy Rain : બેંગલુરુના રહેવાસીઓ હાલ ભારે વરસાદી આફતનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ મુસીબત વચ્ચે એક નિર્માણાધીણ બિલ્ડિંગ ધરાશાયી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરમાં ભારે વરસાદ વચ્ચે બાબૂસાપલ્યામાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી અને તેના કાટમાળ 20 શ્રમિકો ફસાયા હતા, જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે 14 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે પાંચ લોકો લાપતા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હાલ અહીં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આગ લાગી
બેંગલુરુ પૂર્વના ડીસીપી ડી.દેવરાજાએ કહ્યું કે, બાબૂસાપલ્યા વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આગ ફાટી નીકળી હતી. બિલ્ડિંગના કાટમાળ નીચે 20 શ્રમિકો ફસાયા હતા. જેમાંથી એક શ્રમિકનું મોત થયું છે. રેસ્ક્યુ ટીમોએ કાટમાળમાંથી 14 લોકોને બચાવ્યા છે. જ્યારે પાંચ લોકો હજુ ગુમ છે.
સાત માળની હતી બિલ્ડિંગ
ઘટનાસ્થળે હાજર એક યુવકે જણાવ્યું કે, ધરાશાયી થયેલી બિલ્ડિંગ સાત માળની છે. આ ઘટના બપોરે એક વાગ્યે બની ત્યારે અહીં લગભગ અહીં 20 લોકો હતા. અમારા સાત લોકો અહીં કામ કરતા હતા, તેમાંથી એકનું મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા અન્ય ત્રણને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ આખી ઈમારત ધરાશાયી થઈ હતી અને લોકો નીચે ફસાઈ ગયા હતા. ફાયર અને ઈમરજન્સી વિભાગની બે રેસ્ક્યુ વાન બચાવ કામગીરી માટે તહેનાત કરવામાં આવી છે. શહેરને અનેક વિસ્તારમાં વરસાદ ચાલુ હતો, ત્યારે આ બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની છે.
ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત
સોમવાર રાતે વરસાદને કારણે આખું બેંગલુરુ જળમગ્ન થયું હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. પાણી ભરાવાને કારણે અનેક રસ્તાઓ બંધ છે અને વહીવટીતંત્રે લોકોને બચાવવા માટે રસ્તાઓ પર બોટ શરૂ કરવાની નોબત આવી છે. બેંગ્લોરમાં ઘણા રસ્તાઓ ઘૂંટણ સુધી પાણીથી ભરાયા છે. વરસાદી આફતના કારણે ટ્રાફિક વ્યવસ્થાની સાથે અનેક ટ્રેનો અને ફ્લાઈટોને પણ અસર થઈ છે.