કોબી મંચુરિયન અને કૉટન કેન્ડી પર વધુ એક રાજ્યમાં પ્રતિબંધ, કારણ જાણીને હચમચી જશો
નવી દિલ્હી,તા. 11 માર્ચ 2024, સોમવાર
લગ્ન સમારોહ અને રેસ્ટોરામા તેમજ ફુડ સ્ટોલ પર જોવા મળતી ગોબી મંચુરિયન અને કોટન કેન્ડી હવે ખાવા માટે ઉપલબ્ધ રહેશે નહીં. સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
કર્ણાટકે લોકોની આરોગ્યની ચિંતાઓને કારણે કોટન કેન્ડી અને ગોબી મંચુરિયનમાં ફૂડ કલરિંગ એજન્ટો પર પ્રતિબંધ મૂકનાર નવીનતમ રાજ્ય બની ગયું છે.
મળતી માહિતી પ્રમાણે કર્ણાટક સરકારે ફૂડ કલરિંગ એજન્ટ રોડામાઇન-બીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.રાજ્યના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે જણાવ્યું હતું કે, જો વિક્રેતાઓ રેસ્ટોરાંમાં આ કેમિકલનો ઉપયોગ કરતા જોવા મળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 'ગોભી મંચુરિયન ડિશ વિરુદ્ધ એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેની તૈયારીમાં હાનિકારક રોડામાઇન-બીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. અમે તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જો સરકારના આદેશનું પાલન ન થાય તો 7 વર્ષની જેલ અથવા આજીવન કેદ થઈ શકે છે. આ ઉપરાંત 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે.
દિનેશ ગુંડુ રાવે કહ્યું કે, હોટલ, રસ્તાની બાજુની દુકાનોમાંથી નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. ઘણા નમૂનાઓ અસુરક્ષિત હોવાનું બહાર આવ્યું છે. કલરિંગ એજન્ટ તરીકે રોડામાઇનના ઉપયોગ પર પ્રતિબંધ છે. સામાન્ય લોકોને પણ ખબર હોવી જોઈએ કે તેઓ કેવા પ્રકારનો ખોરાક ખાઈ રહ્યા છે. તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના પર તેઓએ ધ્યાન આપવું જોઈએ. અન્ન સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. તેથી અમે વધુ વાનગીઓ તપાસીશું કે તેમાં કયા કલરિંગ એજન્ટ ઉમેરવામાં આવે છે.
આરોગ્ય મંત્રીએ કહ્યું કે રેસ્ટોરન્ટ માલિકોએ પણ લોકોના સ્વાસ્થ્યને લઈને જવાબદાર બનવું પડશે. જો આમ નહીં થાય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Rhodamine-B શું છે?
રોડમાઇન-બીએ કૃત્રિમ રંગ છે. રિપોર્ટ અનુસાર ધૂપ, દીવાસળીમાં તેમજ કાપડ ઉદ્યોગમાં પણ રોડમાઇન-બીનો ઉપયોગ થાય છે. આ કેમિકલ માનવ શરીર માટે હાનિકારક છે. જયારે આ કેમિકલ ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે, ત્યારે તે પેશીઓ અને કોશિકાઓમાં ઓક્સિડેટીવ તણાવ પેદા કરી શકે છે, જે લાંબા સમય સુધી શરીરમાં રહેવાથી કેન્સર કરી શકે છે અથવા તો લીવરને નુકસાન પહોંચાડી શકે છે.
આ ઉપરાંત રોડમાઇન-બીનો ઉપયોગ ગુલાબી, બ્લુ અને લીલા રંગની કોટન કેન્ડીમાં થાય છે. ફૂડ સેફ્ટી વિભાગે લોકોને ખાસ સલાહ આપી છે કે તેઓએ ગુલાબી, લીલા અને જાંબલી રંગની કોટન કેન્ડી ખાવાનું ટાળવું જોઈએ.
કોટન કેન્ડી ખાધા પછી ઘણાં લોકોને એલર્જીની ફરિયાદ રહે છે. આ ઉપરાંત ચહેરો, હોઠ, જીભ, ગળામાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ છે. રોડમાઇન-બી માત્ર કોટન કેન્ડીમાં જ નહીં પણ મીઠાઈઓ, રંગબેરંગી કેન્ડી, લાલ મરચાં, મરચાંનો પાવડર, ચટણીઓ અને અન્ય ઘણાં મસાલાઓમાં પણ ઉમેરવામાં આવે છે.