કર્ણાટકમાં એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત, મુસાફરો ભરેલી બસ પલટી, 20ને ઈજા
Mysore Expressway Bus Accident : કર્ણાટક સ્થિત બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં બેંગલુરુથી મુસાફરો ભરીને નીકળેલી રોડવેઝની બસ ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી ખાઈ ગઈ છે. આ અકસ્માતમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે, જેમને તાત્કાલીક નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાનો સીસીટીવી ફુટેજ પણ વાયરલ થઈ રહ્યો છે.
ડ્રાઇવરનું બેલેન્સ બગડતાં બસ પલટી ખાઈ ગઈ
મળતાં અહેવાલો મુજબ આજે સવારે લગભગ 9.30 કલાકે એક્સપ્રેસ હાઇવે પરથી માંડ્યા તરફ બસ જઈ રહી હતી, આ દરમિયાન અચાનક ડ્રાઇવરનું બેલેન્સ બગડતાં બસ પલટી ખાઈ ગઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક્સપ્રેસ વે પર દોડી રહેલી બસ અચાનક સર્વિસ રોડ પર પહોંચી જાય છે, ત્યાં ડિવાઇડર સાથે અથડાયા બાદ સાઇડમાં ઊભા રહેલા એક ટ્રક સાથે અથડાય છે. આ દરમિયાન પાછળથી આવી રહેલો બાઇક સવાર પણ બસને અથડાય છે. વીડિયો મુજબ હાઇવે પર અનેક વાહનો દોડી રહ્યા છે.
ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા
એવું કહેવાય છે કે, આખી બસ મુસાફરોથી ભરેલી હતી. દુર્ઘટના સર્જાતાં જ આસપાસના અનેક લોકો દોડી આવ્યા હતા અને મુસાફરોને બચાવવા તુરંત રાહત અને બચાવ કાર્ય શરુ કરી દીધું હતું. બસ પલટી થયા બાદ મુસાફરોએ બસમાંથી બહાર આવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ મુસાફરોમાં હંગામો મચી ગયો હતો. આ ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા છે.
આ પણ વાંચો : હરિયાણા કોંગ્રેસમાં જૂથવાદ ખતમ! કુમારી સેલજા અને ભૂપેન્દ્ર હુડ્ડાએ હાથ મિલાવ્યા