યુવાનો ખેતર વેચીને અથવા વ્યાજે પૈસા લઈ અમેરિકા જઈ રહ્યા છે: મોદી સરકાર પર રાહુલ ગાંધીનો પ્રહાર
Image: IANS |
Haryana Assembly Election 2024: જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ વિપક્ષ નેતા હવે હરિયાણા પહોંચ્યા છે. હરિયાણાના કરનાલથી વિધાનસભા ચૂંટણીની પ્રચાર રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ હરિયાણાના વિકાસનું વચન આપ્યું હતું.
ખેડૂતોને ટેકાના ભાવ આપીશું, લાભ કરાવીશું
કોંગ્રેસ સત્તામાં આવી તો મોદીએ જેટલું ધન અદાણી-અંબાણીને આપ્યું, તેટલું ધન અમે ખેડૂત, ગરીબ, યુવા અને મહિલાને આપીશું. ખેડૂતો દેશને ભોજન આપે છે પણ પાકના યોગ્ય ભાવ નથી મળતા. માથે દેવું વધતું જાય છે. બીજી તરફ ખેડૂતોની કમાણીના પૈસા પણ અદાણી-અંબાણીના ખિસ્સામાં જાય છે. અમારી સરકાર ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ અપાવશે. 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને બે લાખ યુવાનોને નોકરી આપીશું. નરેન્દ્ર મોદી ભગવાન સાથે કનેક્શન બતાવે છે, પણ ભગવાને તેમને સબક શિખવાડ્યો, અયોધ્યામાં હાર્યા.
હરિયાણાના યુવાનોનું વિદેશમાં સ્થળાંતર
હરિયાણાની પ્રજાને તથા ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ આપવાનું વચન આપતાં નવા જ વિકસિત હરિયાણાનો ઉદય કરવાની ગેરેંટી આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, થોડા સમય પહેલાં જ હું અમેરિકાના ટેક્સાસમાં ગયો હતો. ત્યાં હરિયાણાના યુવાનો સાથે મળ્યો. હરિયાણામાંથી 15થી 20 હજાર લોકો અમેરિકામાં છે. તેમાંથી ઘણા લોકો ડંકી મારફત અમેરિકા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અમુક યુવાનો ખેતર વેચી અથવા વ્યાજે પૈસા લઈ અમેરિકા જઈ રહ્યા છે. આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરી વિદેશ જવા પાછળનું કારણ હરિયાણામાં પર્યાપ્ત તકો ન હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં અદાણી જૂથની માલિકીના મુંદ્રા, હજીરા અને દહેજ પોર્ટને ફાયદો પહોંચાડવામાં પણ ગોલમાલઃ કોંગ્રેસ
હરિયાણામાં હવે કશું રહ્યું નથી
હરિયાણાથી અમેરિકા જવાનો ખર્ચ 35 લાખથી શરુ થાય છે, ત્યારે હરિયાણાના યુવાનોને રાહુલ ગાંધીએ કહ્યું કે, આટલા રૂપિયામાં તો તમે હરિયાણામાં જ બિઝનેસ શરુ કરી દીધો હોત. તો તેનો જવાબ આપતાં યુવકોએ કહ્યું કે, હરિયાણામાં અમારા માટે કશું જ બચ્યું નથી. તેમના માટે તમામ દરવાજાઓ બંધ છે. કોઈ તકો મળી રહી નથી. પરિવારથી દૂર વિદેશમાં જઈ ગુજરાન ચલાવી રહ્યા છે. હું ખૂબ ભાવુક થઈ ગયો. હરિયાણ સરકારે પરિવારોને બરબાદ કરી દીધા છે. કોંગ્રેસ તમામના આંસુ લૂછશે. વડાપ્રધાન મોદી અને હરિયાણા સરકારે સિસ્ટેમેટિકલી રોજગાર જ ખતમ કરી દીધો છે.
ખેડૂતો અને નાના વેપારીઓનું શોષણ
વડાપ્રધાન મોદી કાળો કાયદો અમલમાં મૂકે છે. તેઓ ધનિકોનું દેવું તો માફ કરી દે છે. પરંતુ ખેડૂતોની મૂડી સુદ્ધાં છીનવી રહ્યા છે. હરિયાણામાં ડ્રગની સમસ્યા વધી છે. પરંતુ કોઈને સજા મળી નથી. નોટબંધી અને જીએસટીના બોજા હેઠળ ખેડૂતો અને નાના વેપારીઓનું શોષણ કર્યું છે. વેપાર-ધંધાને તાળા મારી દેવાની સ્થિતિ આવી છે.
બાળકો અને મહિલાઓનો વિકાસ કરશે
કોંગ્રેસે હરિયાણામાં બાળકોના વિકાસ અને મહિલાઓના સશક્તિકરણ પર ભાર મૂકવાની ગેરેંટી આપી છે. 2 લાખ ખાલી પદ પર નોકરી અપાશે. ખેડૂતોને વીમાના પૈસા મળશે. ગરીબોને 100 ગજના પ્લોટ, ઘર માટે પૈસા અને 300 યુનિટ વીજ આપશે. ભાજપના લોકો બંધારણ પર જ હુમલો કરી રહ્યા છે.