Get The App

યુનિફોર્મ સિવિલ કોડ લિંગ સમાનતા માટે હોય તો સમર્થન આપીશ : સિબલ

સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે યુસીસી મારફત તે દેશમાં શું સમાન કરવા માગે છે, જેની દરખાસ્ત નથી તેના પર ચર્ચા કેવી રીતે થઈ શકે : સિબલ

આરએસએસના પૂર્વ સરસંઘચાલક ગુરુ ગોલવલકર પણ યુનિફોર્મ સિવિલ કોડના વિરોધી હતા : કોંગ્રેસ નેતા તિવારી

Updated: Jul 2nd, 2023


Google NewsGoogle News
યુનિફોર્મ સિવિલ કોડ લિંગ સમાનતા માટે હોય તો સમર્થન આપીશ : સિબલ 1 - image


નવી દિલ્હી, તા.૨

લોકસભા ચૂંટણીને હવે એક મહિનાથી ઓછો સમય રહી ગયો છે ત્યારે તેમાં યુનિફોર્મ સિવિલ કોડ મહત્વનો મુદ્દો બની રહેશે. કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી પહેલાં જ યુસીસી લાગુ કરવાની તૈયારી કરી રહી હોવાની ચર્ચાઓ વચ્ચે રાજ્યસભામાં સાંસદ કપિલ સિબલે વડાપ્રધાન મોદીને યુસીસીની દરખાસ્ત જાહેર કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે સરકાર લિંગ સમાનતા માટે યુનિફોર્મ સિવિલ કોડ લાવતી હોય તો તેઓ સમર્થન કરશે. બીજીબાજુ બસપા નેતા માયાવતીએ આ મુદ્દે ભાજપની નીતિ પર સવાલ ઉઠાવ્યો હતો.

રાજ્યસભાના સાંસદ કપિલ સિબલે યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે દેશભરમાં ચાલી રહેલી ચર્ચાને 'થોટલેસ એક્સરસાઈઝ' એટલે કે વિચારવિહિન પ્રવૃતિ ગણાવી હતી. તેમણે કહ્યું કે, યુસીસી હેઠળ સરકાર શું 'યુનિફોર્મ' કરવા માગે છે તે લોકોને જણાવવું જોઈએ. તેમણે સવાલ કર્યો કે શું પરંપરાઓને યુનિફોર્મ કરાશે? તેમણે કહ્યું કે, કલમ ૨૩ હેઠળ પરંપરાઓ જ કાયદો છે.

સરકારે જણાવવું જોઈએ કે શું માત્ર હિન્દુઓ પર લાગુ થતો હિન્દુ અવિભક્ત પરિવાર (એચયુએફ) હટાવી દેવાશે? તેમણે ગોવા અંગે સવાલ કરતા કહ્યું ગોવામાં ૩૦ વર્ષની વય સુધીમાં સંતાન ન થાય તો બીજા લગ્નની છૂટ છે. એવામાં સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે તે શું સમાન કરવાનો પ્રયત્ન કરી રહી છે?

તેમણે જણાવ્યું હતું કે, સૌથી પહેલાં તો દેશની જનતા અને રાજકીય પક્ષોને ખબર હોવી જોઈએ કે તેઓ ચર્ચા કઈ બાબત પર કરી રહ્યા છે. કોઈને ખબર નથી કે કયા મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ. જોકે, તેમણે ઉમેર્યું કે, સરકાર લિંગ સમાનતા માટે યુનિફોર્મ સિવિલ કોડ લાવી રહી હોય તો તેઓ તેનું સમર્થન કરશે. સરકારે યુસીસી મુદ્દે માત્ર રાજકીય પક્ષો જ નહીં પરંતુ ધાર્મિક અને સામાજિક સંગઠનો, વિશેષ સમાજના લોકો સાથે ચર્ચા કરવી જોઈએ. હજુ કોઈને યુસીસીની દરખાસ્ત અંગે જ કોઈ માહિતી નથી. આવી સ્થિતિમાં વિપક્ષના અકારણ હોબાળાનો કોઈ અર્થ નથી. જે વસ્તુ સામે છે જ નહીં તેનો સહયોગ કે વિરોધ કેવી રીતે કરી શકાય?

દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ દાવો કર્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પૂર્વ સરસંઘચાલક ગુરુજી ગોલવલકર યુસીસીના વિરોધમાં હતા. ૨૪ ઑગસ્ટ ૧૯૭૨ના ગુરુ ગોલવલકરે એક મુલાકાતમાં યુસીસીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશમાં કોઈ સાથે સંમત અથવા અસંમત થવાની પૂરી આઝાદી છે. બીજીબાજુ બસપા નેતા માયાવતીએ કહ્યું હતું કે, તેમનો પક્ષ યુસીસીનો વિરોધ નથી કરી રહ્યો, પરંતુ ભાજપ સરકાર જે રીતે દેશમાં તેનો અમલ કરવા માગે છે તેને અમે સમર્થન આપી શકીએ નહીં.


Google NewsGoogle News