Get The App

કોઈ ચોર, ભ્રષ્ટ, લાંચખોર મહારાણાનું નામ લે તે તેમનું અપમાનઃ કપિલ મિશ્રા

Updated: Aug 22nd, 2022


Google NewsGoogle News
કોઈ ચોર, ભ્રષ્ટ, લાંચખોર મહારાણાનું નામ લે તે તેમનું અપમાનઃ કપિલ મિશ્રા 1 - image


- 'સૌને ખબર છે કે, મનીષ સિસોદિયાએ ભાજપમાં સામેલ થવા માટે કેટલા પાપડ વણ્યા છે. પરંતુ પાર્ટીમાં તેમના જેવા લોકો માટે કોઈ સ્થાન નથી.'

નવી દિલ્હી, તા. 22 ઓગષ્ટ 2022, સોમવાર

દિલ્હીના નાયબ મુખ્યમંત્રીના ત્યાં એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે સીબીઆઈના દરોડા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું છે. મનીષ સિસોદિયાએ આજે પોતાને ભાજપની ઓફર મળી હોવાનો દાવો કરીને સનસનાટી મચાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મને ભાજપનો એવો મેસેજ મળ્યો છે કે, આપને તોડીને ભાજપમાં આવી જાઓ, તમામ કેસ બંધ કરાવી દઈશું. પરંતુ મારો જવાબ હતો કે હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપૂત છું. માથું કપાવી દઈશ પરંતુ ભ્રષ્ટાચારીઓ સામે ઝુકીશ નહીં. મનીષ સિસોદિયાના આ નિવેદન સામે ભાજપના નેતાઓ દ્વારા વળતા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

વધુ વાંચોઃ 'AAPને તોડી ભાજપમાં આવી જાઓ.., મેં કહી દીધું - હું માથું કપાવી દઈશ પણ..'

મનોજ તિવારીની પ્રતિક્રિયા

ભાજપના સાંસદ મનોજ તિવારીએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલને કાલનેમી રાક્ષસની સંજ્ઞા આપવામાં આવી રહી છે. આ ગુનામાં તે અંદર સુધી ખૂંપેલા છે. કેજરીવાલ જનતાને કઠપૂતળીની માફક નચાવવા માંગે છે પરંતુ દિલ્હીના લોકોની આંખો ખુલી ગઈ છે. તેમનો ઉશ્કેરાટ જ કહી આપે છે કે, તેઓ ભ્રષ્ટાચારમાં ખૂબ અંદર સુધી ખૂંપેલા છે. શરાબ કૌભાંડના આરોપથી ઘેરાયેલા છે અને તુલના મહારાણા પ્રતાપ સાથે કરે છે. 

પ્રવેશ સિંહની પ્રતિક્રિયા

ભાજપના સાંસદ પ્રવેશ સિંહે ટ્વિટમાં લખ્યું હતું કે, અમે જાતિ-ધર્મની રાજનીતિ નથી કરતા. હવે ચોરીના આરોપમાં જેલમાં જવાનું છે એટલે જાતિકાર્ડ રમવાનું શરૂ કરી દીધું. મહારાણા પ્રતાપના વંશજો દારૂ વેચવાનો અને ભ્રષ્ટાચારનો કારોબાર નથી કરતા. તેમણે તો દેશવિરોધી શક્તિઓનો નાશ કર્યો હતો અને તમે (મનીષ સિસોદિયા) તમે દેશવિરોધી તાકાત સાથે ખભે ખભો મિલાવવામાં વિશ્વાસ ધરાવો છો.  

કપિલ મિશ્રાની પ્રતિક્રિયા

ભાજપના નેતા કપિલ મિશ્રાએ એક વીડિયોમાં જણાવ્યું કે, મનીષ સિસોદિયા હવે મહારાણા પ્રતાપની વાત કરી રહ્યા છે. કેજરીવાલ અને સિસોદિયાએ આખી જિંદગી ઔરંગઝેબની વાત કરી અને ઔરંગઝેબની વાત કરનારાઓના પગના તળિયા ચાટ્યા, તુષ્ટિકરણની રાજનીતિ કરી છે. મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ જીવનમાં પહેલી વખત મહારાણા પ્રતાપનું નામ લઈ રહ્યા છે કારણ કે, તેમની ચોરી પકડાઈ ગઈ. 

કપિલ શર્માએ જણાવ્યું કે, કોઈ ચોર, ભ્રષ્ટ, લાંચખોર મહારાણાનું નામ લે તે તેમનું અપમાન છે. રાજપૂત સમાજના લોકો સિસોદિયાથી નારાજ છે. આ ઉપરાંત ભાજપની ઓફર અંગેના મનીષ સિસોદિયાના દાવા અંગે પલટવાર કરતા કહ્યું કે, સૌને ખબર છે કે, મનીષ સિસોદિયાએ ભાજપમાં સામેલ થવા માટે કેટલા પાપડ વણ્યા છે. પરંતુ પાર્ટીમાં તેમના જેવા લોકો માટે કોઈ સ્થાન નથી. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ મોટા-મોટા ચોરોને બચાવવાનું પાપ કર્યું છે. 

આ પણ વાંચોઃ કેજરીવાલ ગુજરાતમાં, સિસોદિયાની ધરપકડ થશે, મારી પણ થઇ શકે


Google NewsGoogle News