"હિન્દુ લગ્નવિધિમાં 'કન્યાદાન' જરૂરી નથી, સપ્તપદી જ જરૂરી વિધિ છે" - હાઈકોર્ટે

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
"હિન્દુ લગ્નવિધિમાં 'કન્યાદાન' જરૂરી નથી, સપ્તપદી જ જરૂરી વિધિ છે" - હાઈકોર્ટે 1 - image


The Allahabad HC ruling on kanyadaan: શું હિન્દુ લગ્નમાં 'કન્યાદાન' જરૂરી નથી? અલ્હાબાદ હાઈકોર્ટે આ વાતનો સ્વીકાર કર્યો છે. એક કેસ પર પોતાનો ચુકાદો આપતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે હિન્દુઓમાં લગ્નવિધિમાં  કન્યાદાન જરૂરી વિધિ નથી.

આશુતોષ યાદવ નામના એક વ્યક્તિએ પોતાના સાસરિયાઓ તરફથી દાખલ વૈવાહિક વિવાદ સાથે સંબંધિત એક ફોજદારી કેસ લડતા હતા. આશુતોષે આ વર્ષે 6 માર્ચે લખનૌના એડિશનલ સેશન્સ જજ દ્વારા જારી કરાયેલા આદેશને પડકાર્યો હતો. તેણે ટ્રાયલ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે તેના લગ્ન માટે 'કન્યાદાન'ની વિધિ જરૂરી હતી, જે તેના કેસમાં કરવામાં આવી નથી.

આ બાબતે હાઈકોર્ટે હિંદુ મેરેજ એક્ટની કલમ 7 નો ઉલ્લેખ કર્યો જે અંતર્ગત સપ્તપદી એટલે કે 'સાફ ફેરા'ને હિંદુ લગ્ન માટે ફરજિયાત પરંપરા માનવામાં આવે છે. જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ કહ્યું કે, 'હિંદુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન માટે સપ્તપદી એટલે કે સાત ફેરા જરૂરી છે. આમાં કન્યાદાન ફરજીયાત શરત નથી.' આ હરણ આપતા આશુતોષની રિવિઝન પિટિશન ફગાવી દેવામાં આવી હતી. 

શું છે આખો મામલો?

આશુતોષે પોતાની અરજીમાં કહ્યું હતું કે તેમના લગ્ન 27 ફેબ્રુઆરી 2015ના રોજ હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. જેમાં કન્યાદાન જરૂરી છે. તેમજ તેની અરજી હતી કે તેના લગ્નમાં ક્ન્યાદાન થયું છે કે નહી તે જાણવા માટે તેના સાસરિયા પક્ષના બે સાક્ષીને પણ બોલાવવામાં આવે. આ બાબતે ટ્રાયલ કોર્ટ દ્વારા તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. આથી આશુતોષે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 

CrPCની કલમ 311 હેઠળ સાક્ષીઓને જુબાની માટે સમન્સ જારી કરવા બાબતે આશુતોષે દલીલ કરી હતી. આ બાબતમાં હાઈકોર્ટે કહ્યું કે, "સાક્ષીઓને બોલાવીને જે સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય નથી. કોર્ટને સીઆરપીસીની કલમ 311 હેઠળ કોઈપણ સાક્ષીને બોલાવવાનો અધિકાર છે, પરંતુ આ અધિકારનો ઉપયોગ માત્ર વાદીની અપીલ પર થઈ શકે નહીં. આ અધિકારનો ઉપયોગ ત્યારે જ થવો જોઈએ જ્યારે કેસના યોગ્ય નિર્ણય માટે સાક્ષીને બોલાવવા જરૂરી હોય" અને તેની અપીલ ફગાવી દીધી છે. 

કન્યાદાન બાબતે લોકોની માન્યતાઓ શું છે? 

ઘણા લોકો એવી દલીલ કરે છે કે કન્યાદાન વિધિ જે વૈદિક યુગની છે, જ્યારે છોકરીઓના લગ્ન ખૂબ જ નાની ઉંમરે થઈ જતા હતા અને તેમને વાલીની જરૂર હતી, તે આજે જૂની થઈ ગઈ છે. કેટલાક વિદ્વાનો અને નારીવાદીઓ આ વિધિને અયોગ્ય ગણાવે છે તેમજ ઘણા સિલેબ્સ પણ તેઓ વિરોધ કરે છે. બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ ફેબ્રુઆરી 2021 માં તેના લગ્ન દરમિયાન કન્યાદાન અને વિદાઈની વિધિ કરી ન હતી. 

સપ્ટેમ્બર 2021માં, આલિયા ભટ્ટ કન્યાદાનની વિધિ પર સવાલ ઉઠાવતા બ્રાઇડલ વેઅર એડમાં દેખાઈ હતી. મંડપમાં બેઠેલી, દુલ્હનના વેશમાં, તે પૂછે છે કે શા માટે તેના પરિવારે તેને આટલો પ્રેમ કરવા છતાં, તેને હંમેશા પરિવારના અસ્થાયી ભાગ તરીકે વર્તે છે. "શું હું દાન કરવા જેવી વસ્તુ છું? ફક્ત કન્યાદાન જ શા માટે," 

પરંતુ સેલિબ્રિટી સિવાય સામાન્ય લોકો પણ આ પિતૃસત્તાક પરંપરાઓ વિરુદ્ધ બોલી રહ્યા છે. 2019 માં, એક બંગાળી પિતાનો વીડિયો X પર વાયરલ થયો હતો જ્યારે તેણે કન્યાદાન કરવાનો ઇનકાર કર્યો હતો. વ્યક્તિએ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને કહ્યું કે તેની પુત્રી કોઈ મિલકત નથી કે જેનું દાન કરી શકાય, આથી તે આ વિધિનું પાલન નહી કરે. 

જો કે, આ ધાર્મિક વિધિનું મહત્ત્વ વૈદિક કાળથી છે. જેમાં કન્યાના માતાપિતા અગ્નિને સાક્ષી માનીને મંત્રોચ્ચાર સાથે કન્યાદાન કરે છે.  કન્યાદાનનો અર્થ કન્યાનું દાન નથી. આદાન એટલે લેવું કે ગ્રહણ કરવું. જેઓ અર્થ થાય છે કે કન્યાના પાલન-પોષણની જવાબદારી એક પિતાની હોય છે પરંતુ લગ્ન બાદ આ જવાબદારી કન્યાદાનની વિધિથી વરને સોંપવામાં આવે છે. તેમજ વર આ જવાબદારી યોગ્યરીતે નિભાવવાનું વચન આપીને આ જવાબદારી સ્વીકારે છે. આથી એક પક્ષ આ વિધિને ખૂબ જ મહત્ત્વની માનીને તેનું પાલન પણ કરે છે.  

હિંદુ મેરેજ એક્ટ શું છે?

હિંદુ મેરેજ એક્ટ 1955 હેઠળ હિંદુ ધર્મના લગ્ન અને છૂટાછેડા સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. તેમજ લગ્નની માન્યતાનો ઉલ્લેખ આ કાયદાની કલમ 5 હેઠળ કરવામાં આવ્યો છે. હિંદુ ધર્મમાં લગ્ન બાબતે નિયમોની વાત કરીએ તો સૌથી મહત્ત્વની શરત એ છે કે  લગ્ન સમયે છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ અને છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, આ સિવાય છોકરો અને છોકરી બંને પહેલેથી પરણેલા ન હોવા જોઈએ. તેમજ બંને સપિંડ પણ ન હોવા જોઈએ. આ કાયદાની કલમ 7(2) મુજબ, સપ્તપદી વિધિ પૂર્ણ થાય ત્યારે જ હિંદુ લગ્નને વિધિવત ગણવામાં આવશે. એટલે કે સાતમો ફેરો થતાં જ લગ્ન માન્ય થઈ જશે.

છૂટાછેડા બાબતે કાયદો શું છે?

હિન્દુ મેરેજ એક્ટની કલમ 13માં છૂટાછેડાની જોગવાઈ છે. જેમાં છૂટાછેડા માટેના કેટલાક કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે... 

- જો પતિ કે પત્નીમાંથી કોઈ ત્રીજી વ્યક્તિ સાથે સ્વેચ્છાએ શારીરિક સંબંધ બાંધે છે, તો તેના આધારે છૂટાછેડાની માંગ કરી શકાય છે. 

- આ સિવાય જો માનસિક કે શારીરિક ક્રૂરતા હોય અથવા પતિ કે પત્નીમાંથી કોઈ એક માનસિક અથવા ચેપી વેનેરીયલ રોગથી પીડિત હોય તો પણ છૂટાછેડા લઈ શકાય છે. 

- જો પતિ કે પત્નીમાંથી કોઈ એક પરિવાર છોડીને દે છે અથવા લગ્ન પછી પતિ બળાત્કારનો દોષી સાબિત થાય તો પણ છૂટાછેડા માંગી શકાય છે.

- હિંદુ મેરેજ એક્ટની કલમ 13B પરસ્પર સંમતિથી છૂટાછેડાનો ઉલ્લેખ કરે છે. જો કે, આ કલમ હેઠળ, પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી ત્યારે જ કરી શકાય છે જ્યારે લગ્નને ઓછામાં ઓછું એક વર્ષ થયું હોય.

આ કલમમાં એવી પણ જોગવાઈ છે કે ફેમિલી કોર્ટ બંને પક્ષકારોને સમાધાન માટે ઓછામાં ઓછો 6 મહિનાનો સમય આપે છે અને જો હજુ પણ સમાધાન ન થાય તો છૂટાછેડા થઈ જાય છે. જો કે, ગયા વર્ષે એપ્રિલમાં, સુપ્રીમ કોર્ટે એક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે જો પતિ-પત્ની વચ્ચેના સંબંધો એટલી હદે તૂટી ગયા છે કે ફરી સુધરે એવું ન થઇ શકે તો તે તેના આધારે છૂટાછેડા આપી શકે છે.

"હિન્દુ લગ્નવિધિમાં 'કન્યાદાન' જરૂરી નથી, સપ્તપદી જ જરૂરી વિધિ છે" - હાઈકોર્ટે 2 - image


Google NewsGoogle News