કાવડ યાત્રા વિવાદ: યોગી સરકારના નિર્ણય પર ભડક્યા NDAના સાથી પક્ષો, જાણો કયાં નેતાઓએ શું કહ્યું?
Uttar Pradesh Kanwar Yatra Controversy : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) કાવડ યાત્રાના માર્ગમાં આવતી તમામ દુકાનો પર નામ લખવાનો આદેશ આપ્યા બાદ ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. પહેલા વિપક્ષો દ્વારા તેમના નિર્ણયનો વિરોધ કરાયો, હવે ખૂદ ભાજપના સાથી પક્ષોએ પણ વિરોધમાં સૂર પુરાવવાનું શરૂ કરી દીધું છે. શ્રાવણ મહિના દરમિયાન કાવડ યાત્રા રૂટ પર હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ફળ અને ખાણી-પીણીની બીજી દુકાનો પર માલિકના નામનું બોર્ડ લગાવવાના આદેશનો જનતા દળ યુનાઈટેડ (JDU), રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (RJD)એ વિરોધ કર્યા બાદ હવે એનડીઓના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ યોગીના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.
અમે જાતિ-ધર્મના વિભાજનનું ક્યારે સમર્થન નહીં કરીએ : ચિરાગ પાસવાન
ચિરાગ પાસવાને કહ્યું કે, ‘જ્યારે પણ જાતિ અથવા ધર્મનું વિભાજન થશે, ત્યારે હું ક્યારેય તેનું સમર્થન નહીં કરું.’ ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાના માર્ગ પરની તમામ દુકાનો પર માલિકનું નામ લખવાનો આદેશ સૌથી પહેલા મુજફ્ફનગરના પોલીસ તંત્રને આપ્યો હતો, પછી આવો જ આદેશ શામલી અને સહારનપુર જિલ્લામાં પણ અપાયો હતો. આ મામલો સામે આવ્યા બાદ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજપાર્ટી, કોંગ્રેસ જેવા વિપક્ષી દળોએ વિરોધ કર્યો હતો. માયાવતીએ પણ યોગીના આદેશને પરત ખેંચવાની માંગ કરી હતી.
યોગીના નિર્ણયનો જેડીયુ-આરએલડીએ પણ ઉઠાવ્યો વાંધો
યોગી સરકારના આદેશનો નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) અને જયંત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)એ પણ વાંધો ઉઠાવ્યો હતો. જેડીયુએ ગુરુવારે બેઠક બોલાવી યોગી સરકારના આદેશની સમીક્ષા કરી હતી, તો આરએલડીએ નિર્ણયને પરત ખેંચવાની શુક્રવારે માંગ કરી છે. તેમના આદેશનો વિરોધ માત્ર વિપક્ષો જ નહીં, ભાજપના સાથી પક્ષો પણ કરી રહ્યા છે.
વિરોધ બાદ પોલીસે કહ્યું, ‘આદેશ સ્વૈચ્છિક’
સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav), બહુજન સમાજ પાર્ટી (બસપા) ની અધ્યક્ષ માયાવતી (Mayawati), ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) અને બીજા વિપક્ષી નેતાઓના વિરોધ બાદ મુઝફ્ફરનગરની પોલીસે ગુરુવારે સ્પષ્ટતા આપતાં કહ્યું કે આ આદેશ સ્વૈચ્છિક છે પરંતુ શુક્રવારે સીએમ યોગી આદિત્યનાથે સમગ્ર યુપીમાં કાવડ રૂટ પર દુકાનદારોને નામ લગાવવાના આદેશ આપ્યા છે.
આવો આદેશ જાતિ-સંપ્રદાયને પ્રોત્સાહન આપનાર પગલું : આરએલડી
આરએલડીના પ્રદેશ અધ્યક્ષ રામાશીષ રાયે એક્સ પર ટ્વીટ કરી છે કે ઉત્તર પ્રદેશ તંત્રનો દુકાનદારોને પોતાની દુકાનો પર પોતાનું નામ અને ધર્મ લખવાનો આદેશ આપવો જાતિ અને સંપ્રદાયને પ્રોત્સાહન આપનાર પગલું છે. રાલોદ નેતાએ તેને ગેર બંધારણીય નિર્ણય ગણાવતાં તંત્રને તેને પાછો ખેંચવાની માગ કરી છે. જયંત ચૌધરીની પાર્ટીના વધુ સાંસદ તો નથી પરંતુ વેસ્ટ યુપીમાં તે ભાજપની એકમાત્ર સહયોગી પાર્ટી છે. જયંત ચૌધરીની પાર્ટીના રાજકારણમાં મુસલમાનોને સ્થાન મળતું રહ્યું છે. તેથી તેના પ્રદેશ અધ્યક્ષનું નિવેદન વિસ્તારમાં લઘુમતી વચ્ચે આ આદેશને ફેલાવી રહેલી નારાજગીને વ્યક્ત કરે છે.
આ પણ વાંચો : વિવાદાસ્પદ IAS પૂજા ખેડકરની નોકરી પર ખતરો, UPSCએ નોંધાવી FIR, નોટિસ પણ પાઠવી
મુસ્લિમો હંમેશા કાવડિયોની સેવામાં આગળ રહ્યા છે : જેડીયુ
જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગી પશ્ચિમી યુપી સાથે જ સંબંધ રાખે છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે આવો કોઈ આદેશ જારી ન કરવો જોઈએ જેનાથી સાંપ્રદાયિક વિભાજન પેદા થાય. મુઝફ્ફરનગરના મુસ્લિમોનો ઉલ્લેખ કરતાં ત્યાગીએ કહ્યું હતું કે આ લોકો હંમેશા કાવડિયોની સેવા અને મદદમાં આગળ રહ્યાં છે. ત્યાગીએ સરકારને આ આદેશની સમીક્ષા કરવાની માગ કરી હતી.