હચમચાવી દેનારી ઘટના: 80 ફૂટ ઊંચા પુલ પર ચાલતી ટ્રેનથી મહિલાને નિર્વસ્ત્ર કરીને ફેંકી, આવી રીતે બચ્યો જીવ
- ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મહિલાને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડી
કાનપુર, તા. 02 જાન્યુઆરી 2024, મંગળવાર
કાનપુરમાં ગંગાઘાટ નજીક સ્થિત રેલવે લાઈન નીચે એક મહિલા નિર્વસ્ત્ર હાલતમાં કેટલાક નાવિકોને મળી આવી હતી. તેમના શરીર પર એક પણ વસ્ત્ર નહતું. નાવિકોએ તાત્કાલિક તેની સૂચના ગંગાઘાટના પંડા રાજૂને આપી. રાજૂએ તાત્કાલિક મહિલાને વસ્ત્ર લાવી આપ્યા. ત્યારબાદ મહિલાને પૂછવામાં આવ્યું કે, તેમની આવી હાલત કેવી રીતે થઈ.
મહિલાને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો
મહિલાએ જણાવ્યું કે, આજે સવારે લગભગ 6:00 થી 7:00 વાગ્યા આસપાસ કેટલાક લોકોએ તેને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો. જેના કારણે તે પુલના નીચે ગંગા નદીમાં પડી ગઈ. નદીમાં પાણી ઓછું હતું તેથી તે જેમ-તેમ નદી કિનારે પહોંચી. મહિલાની વાત સાંભળી રાજૂએ પોલીસને સૂચના આપી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મહિલાને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડી, કારણ કે, મહિલાને ઘણી ઈજા પહોંચી હતી.
મહિલાનું મેડિકલ કરાવવામાં આવશે
પોલીસે જ્યારે મહિલાને પૂછ્યું કે, તારી સાથે કંઈક ખોટું થયું છે? તેના પર મહિલા સ્પષ્ટ જવાબ ન આપી શકી. પોલીસનું કહેવું છે કે, કદાચ મહિલા આઘાતમાં છે. આ કારણોસર તે કંઈ પણ જણાવવાની સ્થિતિમાં નથી. હાલમાં તેની સારવાર કરાવવામાં આવશે. ક્યાંક મહિલા સાથે કંઈક ખોટું તો નથી થયું ને તે જાણવા માટે મહિલાનું મેડિકલ કરાવવામાં આવશે.
બીજી તરફ પંડા રાજૂએ જણાવ્યું કે, જ્યારે તેણે મહિલાને જોઈ ત્યારે તે ખૂબ જ ડરેલી અને ગભરાયેલી લાગી રહી હતી. તેમના શરીર પર એક પણ વસ્ત્ર ન હતું. શરીર પર ઈજાના નિશાન હતા. મહિલાને 80 ફૂટ ઊંચા પુલ પરથી ધક્કો મારી દેવામાં આવ્યો હતો. જેના કારણે તેને ઘણી ઈજા પહોંચી હતી.
મહિલાને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
આ મામલે જ્યારે ગંગાઘાટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજકુમાર સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે મહિલાને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે કાનપુર જીઆરપીના એસએચઓએ કહ્યું કે, આ મામલો હજુ સુધી તેમના સંજ્ઞાનમાં નથી આવ્યો. જે પુલ પરથી મહિલાને ધક્કો મારી દેવામાં આવ્યો હતો તે કાનપુર જીઆરપી અને ઉન્નાવ પોલીસ બંને હેઠળ આવે છે.