આવી જ ગરમી પડશે તો 100 વર્ષોમાં રણમાં ફેરવાઈ જશે વિસ્તાર, IITના પ્રોફેસરની ગંભીર ચેતવણી
Climate Change: માર્ચથી જૂન સુધીની ભયંકર ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે, પરંતુ IIT કાનપુરના પ્રોફેસર રાજીવ સિન્હાએ ગંભીર ચેતવણી આપી છે કે જો આવી હીટવેવ વારંવાર વધતી રહેશે તો તે ભૂગર્ભ જળ સિવાય આપણા ઈકોસિસ્ટમને પણ અસર કરશે. તે હજુ ચોક્કસ કહી શકાય તેમ નથી, પરંતુ હવામાન કદાચ મોટા ફેરફાર તરફ ઈશારો કરી રહ્યું છે. વિશ્વના ઘણાં મોટા પર્યાવરણ વૈજ્ઞાનિકો આને સંકેત માની રહ્યા છે.
ભીષણ ગરમીમાં વૃક્ષો જમીનમાં રહેલું પાણી ખેંચે છે
IIT કાનપુરના પ્રોફેસર રાજીવ સિન્હાએ જણાવ્યું હતું કે, 'જ્યારે ભીષણ ગરમી પડે છે ત્યારે વૃક્ષો જમીનમાં રહેલું પાણી ખેંચે છે. ભેજ જાળવવા માટે વૃક્ષો અને છોડ ભારે ગરમીમાં વધુ પાણી ખેંચશે, પરંતુ તેની એક મર્યાદા છે. આ દરમિયાન જમીન પણ સુકાઈ જાય છે. જ્યારે વૃક્ષો અને છોડને ભેજ મળતો નથી, ત્યારે તે બળી જાય છે. જેમ આપણે છેલ્લા 2-3 મહિનામાં જોયું છે.
ભૂગર્ભ જળનું સ્તર પાછું આવતું નથી!
નદીઓ અને તળાવો જેવા જળ સંસાધનો ભૂગર્ભ જળને રિચાર્જ પણ કરે છે. ભીષણ ગરમી દરમિયાન નદીઓ અને તળાવોમાંથી પાણી ઝડપથી બાષ્પીભવન થાય છે. આ દરમિયાન લોકો જમીનમાંથી પાણી ખેંચે છે. જો ઉનાળો અને વરસાદની ઋતુ સામાન્ય રીતે આગળ વધે તો વરસાદ દરમિયાન જમીનમાંથી કાઢવામાં આવેલું પાણી ફરી રિચાર્જ થાય છે. જો વધુ હીટવેવ આવે છે, તો ભૂગર્ભ જળ રિચાર્જ ચક્ર સંપૂર્ણપણે ખોરવાઈ જશે. ભૂગર્ભ જળ ક્યારેય ચોમાસા પહેલા પાછું નહીં આવે.
100 વર્ષોમાં રણમાં ફેરવાઈ જશે વિસ્તાર
પ્રોફેસર સિંહાએ ચેતવણી આપી હતી કે, જ્યાં વધુ હીટવેવ હશે અને હવામાન સુકુ રહેશે. ત્યાં 100 વર્ષમાં રણ બની જવાનો ડર છે. ગંગા કરતાં પણ મોટી સરસ્વતી નદી એક સમયે રાજસ્થાનમાં વહેતી હતી, જે આજે લુપ્ત થઈ ગઈ છે. ત્યાંનું વાતાવરણ સાવ સુકુ બની ગયું હતું. આ હીટવેવ એક મોટી નિશાની છે. વિશ્વના ઘણાં પર્યાવરણ વૈજ્ઞાનિકો માને છે કે આપણે મોટા પર્યાવરણીય ફેરફારો તરફ આગળ વધી રહ્યા છીએ. વૈજ્ઞાનિકો માનવું છે કે,જ્યારે આપણે એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં જઈએ છીએ, ત્યારે આવી અસ્થિરતાઓ થાય છે. આપણી સમગ્ર હવામાન પ્રણાલી કદાચ પોતાને બદલવાનો પ્રયાસ કરી રહી છે. જેના કારણે હીટવેવ અને હવામાન સુકુ રહે છે.