VIDEO: ગેંગસ્ટરે ગર્લફ્રેન્ડનો બર્થ-ડે મનાવવા 12 ગાડીઓનો કાફલો લઈ સ્ટંટ કર્યા, પોલીસે પકડ્યો
Kanpur Gangster Ajay Thakur: કાનપુરમાં 12 ગાડીઓનો કાફલો લઈને સ્ટંટ કરવા નીકળેલા ગેંગસ્ટર અજય ઠાકુરની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જ્યારે પોલીસે તેના ઠેકાણા પર દરોડો પાડ્યા ત્યારે તેણે આત્મહત્યાની ધમકી આપવાનું શરૂ કરી દીધુ હતું. જ્યારે પોલીસે તેને ભારે જહેમતથી પકડ્યો ત્યારે તે પોલીસ સાથે જ ઘર્ષણ કરવા લાગ્યો. અંતે જ્યારે તે ભાગવામાં અસફળ રહ્યો તો પોતાના માથા પર ઈંટ મારીને ખુદને ઘાયલ કરી દીધો. જોકે, પોલીસ સામે તેની એક ન ચાલી અને બર્રા પોલીસ સ્ટેશનની પોલીસે તેને જેલ હવાલે કરી દીધો છે.
ગેંગસ્ટર પોતાની ગર્લફ્રેન્ડનો બર્થ-ડે મનાવવા નીકળ્યો હતો
તાજેતરમાં કાનપુરમાં એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં 12 લક્ઝરી ફોર વ્હીલર્સ સ્ટંટ કરીને રાહદારીઓમાં ભયનો માહોલ ઊભો કરી રહી હતી. આ વાહનો પર બ્લેક ફિલ્મો લાગી હતી, નંબર પ્લેટ ગાયબ હતી અને હોન વાગી રહ્યા હતા. આગળ ચાલી રહેલી સ્કોર્પિયોમાં ગેંગસ્ટર અજય ઠાકુર બેઠો હતો અને તેની બાજુમાં તેની ગર્લફ્રેન્ડ બેઠી હતી. ગેંગસ્ટર પોતાની ગર્લફ્રેન્ડનો બર્થ-ડે મનાવવા નીકળ્યો હતો.
પોલીસ એક્શનમાં આવી
આ ગાડીઓનો કાફલો કાનપુરના ડીસીપી સાઉથ ઓફિસ પાસેથી પણ પસાર થયો હતો. આ દરમિયાન પણ સ્ટંટ ચાલુ જ હતા. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે યુઝર્સે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી અને અજય ઠાકુર પર સકંજો કસ્યો હતો.
બે ડઝનથી વધુ ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયેલા છે
પ્રાપ્ત માહિતી પ્રમાણે રસ્તા પર ગુંડાગીરી દેખાડી રહેલા અજય વિરુદ્ધ બે ડઝનથી વધુ ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયેલા છે. હવે આવી સ્થિતિમાં તેની સામે નવી FIR નોંધવામાં આવી છે જેમાં પોલીસ પર હુમલો, આત્મહત્યાનો પ્રયાસ, સરકારી કામમાં અવરોધ ઊભો કરવો વગેરે સામેલ છે.
અજય ઠાકુર પોતાની ગર્લફ્રેન્ડ સાથે નિરાલા પાર્કમાં ફરતો દેખાઈ રહ્યો છે
વાયરલ થયેલા વીડિયોમાં અજય ઠાકુર પોતાની ગર્લફ્રેન્ડ સાથે નિરાલા પાર્કમાં ફરતો દેખાઈ રહ્યો છે. બ્લેક સ્કોર્પિયોમાં આગળ બેઠેલો અજય પાર્કમાં પોતાની ગાડીઓના કાફલાનું પ્રદર્શન કરી રહ્યો છે. અજયની ગર્લફ્રેન્ડ પણ તેની સાથે બ્લેક ચશ્મા પહેરેલી જોવા મળી રહી છે. આ સમગ્ર કાફલાની પાછળ બીજી અન્ય ગાડીઓ પણ દોડી રહી છે. વીડિયોમાં જોવા શકાય છે કે અજય પોતાની કારને ગોળ-ગોળ ફેરવી રહ્યો છે.
અજય ઠાકુરનું નામ કાનપુરના દબંગ ગેંગસ્ટર્સમાં સામેલ
નોંધનીય છે કે, અજય ઠાકુરનું નામ કાનપુરના દબંગ ગેંગસ્ટર્સમાં ગણાય છે. લગભગ બે વર્ષ પહેલા ડોક્ટર દંપતીની સગીર પુત્રીનું શોષણ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. અજય સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, તેની બહેન અને માતા પોલીસ કમિશનરને મળ્યા હતા અને દાવો કર્યો હતો કે, અજયને જાણી જોઈને ફસાવવામાં આવી રહ્યો છે.