2 પંખા, 1 કુલર અને કાચું મકાન... છતાં બિલ આવ્યુ આટલા લાખ રૂપિયા, બિલ જોઇને ગ્રાહકના ઉડ્યા હોશ
Image:Freepik
ઉત્તર પ્રદેશનું વીજળી વિભાગ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. તાજેતરના સમયમાં વીજ કાપના કારણે રાજ્યના લોકોનું જીવન દયનીય બની ગયું છે. આ દરમિયાન કાનપુરથી વિજળી વિભાગનું આવું કૃત્ય સામે આવ્યું છે, જેને જાણીને તમે ચોંકી જશો.
ઉનાળામાં અને હવે વરસાદમાં લાંબા વીજ કાપના કારણે લોકોના નિશાને વીજ વિભાગ છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના કાનપુરથી વીજળી વિભાગ માટે ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે.
શહેરના એક કાચા મકાનમાં રહેતા યુવકનું વીજ બિલ એટલું વધારે હતું કે સમગ્ર વિસ્તારમાં ચોંકી ગયો અને ભય પ્રસરી ગયો હતો.
કેંટ વિસ્તારનો એક રહેવાસી જેનુ નામ ચંદ્રશેખર છે તેમનુ વીજળી બિલ 4-5 મહિનાથી હોલ્ડ પર હતુ જેથી જાણકારી મેળવવા ચંદ્રશેખર વિજળી વિભાગની કચેરીએ માહિતી માટે પહોંચ્યો હતો. વિભાગના વડાએ જ્યારે વીજળીનું બિલ કાઢ્યું તો યુવક તેને જોઈને ચોંકી ગયો. વીજળીનું બિલ 23 લાખ 94 હજાર 512 રૂપિયા હતું.
જો કે, આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છેકે, પીડિતનુ ઘર કાચુ છે અને તેમાં માત્ર 1 કુલર, 1 ફ્રીજ અને 2 પંખા લગાવાયા છે. ઘર ઝૂંપડપટ્ટીમાં આવેલું છે અને છત પર ટીન શેડ છે.
આ મામલે વિજળી વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, ટેકનિકલ ખામીના કારણે આ બન્યું છે. સર્વરમાં થયેલા ફેરફારોને કારણે કેટલાક મીટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે સાચો ડેટા લઈ શકાયો નથી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં ઉપભોક્તાનો ઉકેલ લાવવામાં આવશે અને તેમણે આટલું મોટું બિલ ચૂકવવું પડશે નહીં.