ટ્રેન ઊથલાવવાનું મોટું કાવતરું, પાટા પર મૂક્યો ભરેલો ગેસ સિલિન્ડર, એક્સપ્રેસ ભટકાઈ, 2ની ધરપકડ
Kanpur Tain Accident News | અગાઉ સાબરમતી એક્સપ્રેસને પાટા પરથી ઊતરી ગયાને હજુ તો માંડ મહિનો થયો નથી ત્યાં વધુ એક ટ્રેનને પાટા પરથી ઊથલાવી દેવાના પ્રયાસો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. રવિવારે મોડી સાંજે ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસ અનવરગંજ-કાસગંજ રેલવે લાઈન નજીક બર્રાજપુર અને બિલ્હોર વચ્ચે ટ્રેક પર મૂકી રાખેલા ભરેલા એલપીજી ગેસ સિલિન્ડર સાથે ભટકાઈ ગઈ હતી. આ દરમિયાન જોરદાર વિસ્ફોટનો અવાજ આવતા લૉકો પાયલટે ટ્રેન અટકાવી દીધી હતી.
ઘટનાસ્થળેથી માચિસ, પેટ્રોલ જેવી વસ્તુઓ મળી..
જોકે હાલ તો કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ ઘટનાસ્થળે પેટ્રોલથી ભરેલી બોટલ, માચિસ અને એક શંકાસ્પદ થેલો પણ મળી આવ્યો હતો. તેમાં માચિસ અને વિસ્ફોટક મૂકી રાખવામાં આવ્યા હતા. ઘટના બાદ લગભગ 25 મિનિટ સુધી ટ્રેન ત્યાં જ રોકાઈ હતી. તેના પછી આગળ વધી અને બિલ્હોર સ્ટેશને ફરી તેને હોલ્ટ કરાઈ હતી.
આ મામલે બેની ધરપકડ
પોલીસે આ મામલે વિસ્ફોટ થયાની વાત નકારી કાઢી હતી. આરપીએફ ઈન્સપેક્ટર ઓ.પી.મીણાએ જણાવ્યું કે કેમેરાના ફૂટેજના આધારે બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનાની જાણકારી મળતાં જ રેલવેના સ્ટાફ અને અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. ત્યાં ઝાડીઓ વચ્ચેથી ટ્રેન સાથે ભટકાયેલું એલપીજી સિલિન્ડર મળી આવ્યું હતું.