વૃદ્ધોને યુવાન બનવાનો ચસ્કો ભારે પડ્યો! ઈઝરાયલી મશીનથી થેરેપીના ચક્કરમાં 35 કરોડ ગુમાવ્યાં
Kanpur Fraud Case: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં વૃદ્ધોને યુવાન બનવાનો ચસ્કો ભારે પડ્યો છે. વદ્ધોએ ઈઝરાયલી મશીનથી થેરેપીના ચક્કરમાં 35 કરોડ ગુમાવી દીધા છે. આ મામલો એવો છે કે, અહીં એક પતિ-પત્નીએ વદ્ધોને થેરેપી દ્વારા યુવાન કરવાનો ઝાંસો આપીને 35 કરોડ રૂપિયા ઠગી લીધા છે. હવે આ સમગ્ર મામલે કિદવઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
યુવાન દેખાવાની લાલસામાં માણસ એ ભૂલી ગયો છે કે વૃદ્ધ થવું એ પણ જીવનની એક વાસ્તવિકતા છે. કદાચ એટલે જ હવે કેટલાક લોકોએ પોતાની યુવાની જાળવી રાખવાની લોકોની ઈચ્છાનો ફાયદો ઉઠાવીને તેમને ઠગવાનો પ્લાન બનાવ્યો છે. કાનપુરમાં એક પતિ-પત્ની પર ઈઝરાયેલી મશીન દ્વારા 60 વર્ષથી વધુ વયના વદ્ધોને 25 વર્ષના યુવાન બનાવી દેવાનો ઝાંસો આપીને લગભગ 35 કરોડ રૂપિયા ઠગવાનો રિપોર્ટ નોંધાવામાં આવ્યો છે. લોકોને ચૂનો લગાડનાર આ પતિ-પત્નીએ બધાને ઝાંસો આપ્યો હતો કે, આ ઈઝરાયલી મશીન ઓક્સિજન થેરેપી કરે છે, જેના કારણે વૃદ્ધો યુવાન બની જાય છે.
પતિ-પત્ની પર 35 કરોડ રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ
લોકોને યુવાન બનવાનો ચસ્કો એવો ચઢ્યો કે, થોડા જ દિવસોમાં હજારો લોકોએ લગભગ 35 કરોડ રૂપિયા આ પતિ-પત્નીની સંસ્થામાં જમા કરાવી દીધા. ઘણા લોકોએ આ મશીનમાં ઓક્સિજન થેરેપી પણ લીધી પરંતુ કોઈ પણ વ્યક્તિ 60 વર્ષથી ઓછા થઈને 59 વર્ષના જેવા પણ ન થઈ શક્યા. અંતે લોકોને જાણ થઈ ગઈ કે અમારી સાથે છેતરપિંડી થઈ રહી છે જ્યારે બીજી તરફ આ વાતની ભનક યુવા પતિ-પત્નીને થઈ જતા તેઓ પણ ગાયબ થઈ ગયા.
હવે બંને વિરુદ્ધ ડો.રેનૂ સિંહ ચંદેલે પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. રેનૂ સિંહ ચંદેલનો આરોપ છે કે સ્વરૂપ નગરના રહેવાસી રાજીવ દુબે અને તેની પત્ની રશ્મિ દુબેએ સાકેત નગરમાં રિવાઈવલ વર્લ્ડ નામની સંસ્થા ખોલી છે. બંનેએ દાવો કર્યો છે કે તેમણે ઈઝરાયલથી વૃદ્ધોને યુવાન બનાવવાની મશીન મંગાવી છે.
થેરેપી થતી રહી પરંતુ લોકો યુવાન ન બન્યા
આ મશીન વૃદ્ધોને કેટલીક થેરેપી આપીને 60 વર્ષથી 25 વર્ષના યુવાન બનાવી દે છે. તેમણે આ સંસ્થાનો ખૂબ પ્રચાર કર્યો. રેનૂએ પણ તેમની મશીન પર વિશ્વાસ કરીને સેંકડો લોકોને પોતાની તરફથી યુનિટ બનાવીને તેમની સંસ્થામાં પૈસા લગાવી દીધા. રેનૂનો આરોપ છે કે, કેટલાક લોકોને તેમણે ઓક્સિજન થેરેપી આપી. મશીનમાં એક સાથે ઘણા લોકોનાં બેસવાની વ્યવસ્થા હતી પરંતુ તેમણે ન તો ક્યારેય મશીનનું કોઈને બિલ બતાવ્યું કે ન તો મશીનનું સાચું નામ બતાવ્યું.
વદ્ધમાંથી યુવાન બનવાની ચાહમાં લોકો તેમની થેરેપી લેતા રહ્યા. થેરેપી માટે પતિ-પત્નીએ કેટલાક લોકો પાસેથી 6000 રૂપિયા અને કેટલાક લોકો પાસેથી 90000 રૂપિયા લીધા હતા. પરંતુ આ થેરાપીથી કોઈ પણ યુવાન ન થયું અને કોઈની ઉંમર 60 વર્ષથી 59 વર્ષ પણ ન થઈ. જ્યારે લોકોને ખબર પડી કે આ લોકો આપણી સાથે છેતરપિંડી કરી રહ્યા છે ત્યારે તેઓએ તેમના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું. પરંતુ આ દંપતી તેમના ફ્લેટને તાળું લગાવીને ગાયબ થઈ ગયું હતું.
ફરિયાદ બાદ પોલીસે પતિ-પત્નીની તલાશ શરૂ કરી
રેનૂ સિંહનું કહેવું છે કે તેણે લગભગ હજારો લોકો પાસેથી 35 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરી છે. હવે આ લોકો વિદેશ ભાગી જવાના ચક્કરમાં છે. આથી અમે પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી પતિ-પત્ની વિરુદ્ધ કિડવાઈ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે કિદવાઈ નગર ACP અંજલિ વિશ્વકર્માએ જણાવ્યું કે, અમે રિપોર્ટ દાખલ કર્યો છે. ફ્લેટને તાળું લાગેલું છે. બંનેની તલાશ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં બંનેની ધરપકડ કરી લેવામાં આવશે.