ઠંડી બની કાળ : ભારતના એક જ શહેરમાં એક જ દિવસમાં હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકથી 25ના મોત
કડકડતી ઠંડીમાં બ્લડ પ્રેશર વધવાથી ધમનીઓમાં લોહી ગંઠાઈ જવાની શક્યતાઓ વધી જાય છે : નિષ્ણાતો
કાનપુરની હોસ્પિટલમાં 24 કલાકમાં 723 દર્દીને સારવાર માટે લવાયા, 39 દર્દીઓને ઓપરેશન થિયેટરમાં લઈ જવા પડ્યા
કાનપુર, તા.06 જાન્યુઆરી-2023, શુક્રવાર
દેશના ઘણા રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડી પડતા લોકો તોબા પોકારી ગયા છે. ત્યારે આ કડકડતી ઠંડી વચ્ચે કાનપુરમાં થયેલા 25 મોતની ઘટનાએ સૌ કોઈને હેરાન કરી દીધા છે. હાડ થીજાવતી ઠંડી વચ્ચે કાનપુરમાં હૃદય રોગની સમસ્યા ઝડપથી વધી રહી છે. અહીંના હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાં હૃદયના દર્દીઓની સંખ્યા અચાનક વધતા લોકો ચિંતિત બન્યા છે. ગઈકાલે 5 જાન્યુઆરીના રોજ આ સંસ્થામાં 24 કલાકમાં 7 દર્દીઓના મોત થયા છે, તો કાનપુર શહેરમાં હાર્ટ એટેક તેમજ બ્રેઈન સ્ટ્રોકથી 25 દર્દીઓના મોત નિપજ્યા છે.
અચાનક વધવા લાગી દર્દીઓની સંખ્યા
હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાંથી મળેલી જાણકારી મુજબ 24 કલાકની અંદર 723 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે લવાયા, જેમાંથી 40 દર્દીઓને ગંભીર હાલતમાં હોવાથી દાખલ કરવા પડ્યા. ગુરુવારે 39 દર્દીઓને ઓપરેશન થિયેટરમાં લઈ જવા પડ્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 7 દર્દીઓના મોત નિપજ્યા છે.
હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોકથી 25 દર્દીના મોત
આખા શહેરની વાત કરીએ તો 24 કલાકમાં હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકના કારણે 25 દર્દીઓના મોત નિપજ્યા છે, તો કેટલાક દર્દીઓ હોસ્પિટલ સુધી પણ પહોંચી શક્યા ન હતા અને સારવાર મળ્યા પહેલા જ મોત થઈ ગયું હતું.
ઠંડી દરમિયાન મોત અંગે નિષ્ણાતોએ જણાવ્યું કારણ
નિષ્ણાતોના કહેવા મુજબ, કડકડતી ઠંડીમાં બ્લડ પ્રેશરમાં વધારો થાય છે, જેના કારણે ધમનીઓમાં લોહી ગંઠાઈ જવાની શક્યતાઓ વધી જાય છે, જેના કારણે હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકના કેસો વધુ સામે આવે છે અને સમયસર સારવાર ન મળે તો દર્દીઓનું મોત પણ થઈ શકે છે.
ઠંડી વધશે, સાવધાની રાખવી જરૂરી
આગામી કેટલાક દિવસો સુધી ખુબ જ સાવધાની રાખવાની જરૂર છે. આગામી કેટલાક દિવસો સુધી રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડીના વધવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે આગામી 24 કલાકમાં મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે.