કન્નડ અભિનેત્રી રાન્યા રાવ 12 કરોડના સોનાની દાણચોરી કરતાં પકડાઈ
- 14.2 કિલો સોના સાથે બેંગ્લુરુ એરપોર્ટ પર ઝપટે ચડી
- ડીજીપી પિતાએ અલગ રહેતી સાવકી પુત્રી રાન્યા સાથે છેડો ફાડયો, આ કેસમાં કાયદો તેનું કામ કરશે
બેંગ્લુરુ : કન્નડ અને તમિલ ફિલ્મોની સુપ્રસિદ્ધ હીરોઇન રાન્યા રાવ સોનાની દાણચારી કરતાં પકડાઈ છે. તેની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ ધરપકડ કરી. રાન્યાએ શરીર, જાંઘ અને કમર પર ટેપ લગાવી પોતાના કપડા અને જેકેટની અંદર સોનું છુપાવી દાણચોરી કરી હતી. એક ટ્રિપમાંથી તે ૧૩ લાખ કમાતી હતી. તેણે ગયા વર્ષે ૩૦ વખત દુબઈની ટ્રિપ મારતા તે ડીઆરઆઇની નજરમાં આવી હતી.
દુબઇથી અમીરાતની ફલાઇટમાં આવેલી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ-ડીજીપી-ની સાવકી પુત્રી રાન્યારાવની ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા સાડા બાર કરોડ રૂપિયાની અંદાજિત કિંમતના ૧૪.૮ કિલો સોનાની દાણચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેણે આ દાણચોરી માટે ખાસ પ્રકારના જેકેટ બનાવડાવ્યા હતા. આ ઉપરાંત રિસ્ટ બેલ્ટનો પણ ઉપયોગ કર્યો હતો.
પોલીસને રાન્યા રાવના લેવલ રોડ પર આવેલાં ઘરેથી પણ ૨.૦૬ કરોડ રૂપિયાના સોનાના દાગીના અને ૨.૬૭ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. બીજી તરફ કન્નડ અભિનેત્રી રાન્યા રાવના પિતા ડીજીપી-કર્ણાટક સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન રામચંન્દ્ર રાવે જણાવ્યું હતું કે મિડિયા દ્વારા મને આ સમાચારની જાણ થતાં હું આઘાત પામ્યો છું. મને આ બાબતની કશી જાણ નથી પણ કાયદો તેનું કામ કરશે. મારી કારકિર્દીમાં એક પણ કાળો ડાઘ પડયો નથી.
શનિવારે રાન્યા રાવની પિતા રામચન્દ્ર રાવે જણાવ્યું હતું કે તે અમારી સાથે રહેતી નથી. તે તેના પતિ સાથે અલગ રહે છે. રાન્યા રાવ એ રામચન્દ્ર રાવની સાવકી પુત્રી છે. રામચન્દ્ર રાવની પ્રથમ પત્નીનું અવસાન થતાં તેમણે બીજા લગ્ન કર્યા હતા. તેમની બીજી પત્નીને તેના પહેલાં લગ્નથી બે પુત્રીઓ થયેલી હતી જેમાંની એક રાન્યા રાવ છે.
પ્રાથમિક તપાસમાં જણાયું છે કે રાન્યા રાવ સિક્યુરિટી ચેકમાંથી વિના તપાસે પસાર થવા માટે તેના ડીજીપી પિતાનું નામ વટાવી ખાતી હતી. તેણે એસ્કોર્ટ માટે સ્થાનિક પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. જો કે, સત્તાવાળા રાન્યાની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. તેણે પંદર દિવસમાં ચાર વાર દુબઇની ટ્રીપ કરતાં તેમની શંકા મજબૂત બની હતી અને છેલ્લી ટ્રીપમાં તેને ઝડપી લેવામાં આવી હતી.
રાન્યા રાવે કસ્ટમ્સ ક્લિયર કરી એરપોર્ટ છોડી જવાની તૈયારીમાં હતી ત્યારે જ ડીઆરઆઇની ટીમે તેને અટકાવી ઝડતી લેતાં તેની પાસેથી કમરપટ્ટામાં સંતાડેલું ૧૪.૮ કિલો સોનુ મળી આવ્યું હતું. જેની અંદાજિત બજાર કિંમત ૧૨.૫૬ કરોડ રૂપિયા જેટલી થાય છે. પોલીસે રાન્યા રાવ લેવલ રોડ પર જ્યાં તે તેના પતિ સાથે રહે છે તે ઘરની ઝડતી લેતાં ત્યાંથી પણ સોનાના દાગીના અને રોકડ એમ કુલ પાંચ કરોડની મતા મળી આવી હતી.
૨૦૧૪માં કન્નડ સુપરસ્ટાર સાથે માણિક્ય ફિલ્મમાં કામ કરનારી રાન્યા રાવ જાણીતી અભિનેત્રી છે. હાલ ડીઆરઆઇ ટીમ દ્વારા રાન્યાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ે તેની પાછળ કોઇ મોટું નેટવર્ક છે કે તે એકલી જ આ દાણચોરી કરે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.